નવી દિલ્હી, તા.15 : ઈરાન અને
અમેરિકા, ઈઝરાયલ વચ્ચે ભીષણ જંગમાં વધી રહેલા તનાવ છતાં
ભારતીય નૌસેનાએ ઓપરેશન સંકલ્પ હેઠળ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ભારતીય જહાજોને સુરક્ષિત પાર
કરાવ્યાં હતાં. દરમ્યાન ઈરાને યુએઈના `ફુજૈરાહ ઓઈલ ટર્મિનલ' પર હુમલો કર્યો હતો. એ સમયે ભારતીય જહાજ જગલાડ પણ તેલ ભરી રહ્યું હતું. જો
કે, જહાજ અને તેના કર્મચારી સુરક્ષિત છે અને હવે આ જહાજ ભારત
તરફ રવાના થયું હતું. દુનિયાના મોટાભાગના દેશનાં જહાજો હોર્મુઝના સાંકડા સમુદ્રી માર્ગમાં
હુમલા અને નાકાબંધીના ભયથી અટવાયેલાં છે, ત્યારે ભારતીય નૌસેનાની
પહેરેદારીમાં ભારત તરફ આવતાં માલવાહક જહાજોએ આ માર્ગ સફળતાપૂર્વક પાર કર્યો છે. શિપિંગ
કોર્પોરેશન ઓફ ઇન્ડિયા(એસસીઆઇ)નાં ભારતીય ધ્વજવાળા બે એલપીજી ટેન્કર શિવાલિક અને નંદાદેવી
ભારતીય નૌસેનાની સુરક્ષાનાં હોર્મુઝ સામુદ્રધૂની પાર કરીને ભારત તરફ આગળ વધી રહ્યાં
છે. ખાસ કરીને શિવાલિક જહાજને ભારતીય યુદ્ધજહાજ દ્વારા એસ્કોર્ટ કરીને લાવવામાં આવી
રહ્યું છે. આ જહાજ આવતીકાલે સવારે 9.30 કલાકે મુંદરા પોર્ટ આવશે તેવું
અહેવાલોમાં જણાવાયું હતું. દરમ્યાન, જગપ્રકાશ નામક એક ઓઇલ ટેન્કર પણ ઓમાનથી આફ્રિકા તરફ ગેસોલીન લઈને જઈ રહ્યું
છે અને તે પણ હોર્મુઝના પૂર્વ હિસ્સામાંથી સલામત નીકળી ગયું છે. ભારતીય નૌસેનાએ ઓપરેશન
સંકલ્પની શરૂઆત હોર્મુઝમાંથી પસાર થતાં ભારતીય જહાજોને સુરક્ષા પ્રદાન કરવા માટે કરી
હતી, જેમાં ઓમાનના તટે તૈનાત ભારતીય યુદ્ધ જહાજ પળેપળ ઉપર ચાંપતી
નજર રાખી રહ્યું છે. વર્ષ 2019થી ચાલતાં આ ઓપરેશનમાં વારાફરતી 23 યુદ્ધજહાજને તૈનાત કરવામાં
આવી ચૂક્યાં છે.