• શનિવાર, 14 માર્ચ, 2026

સનરાઈઝર્સમાં અબરારની એન્ટ્રીનો વિવાદ વધ્યો

નવી દિલ્હી, તા. 13 : ઇંગ્લેન્ડની લીગ ધ હન્ડ્રેડના ઓક્શનમાં ભારતીય કંપની સન ગ્રુપની માલકિન કાવ્યા મારનની ફ્રેન્ચાઇઝી સનરાઇઝર્સ લીડ્સ દ્વારા પાકિસ્તાની સ્પિનર અબરાર અહમદને ખરીદવામાં આવ્યા છે. આ પછી ભારે વિવાદ થયો છે. આ મામલે બીસીસીઆઇએ પણ સ્પષ્ટતા કરવી પડી છે કે આ મામલો અમારા કાર્યક્ષેત્રમાં આવતો નથી. બીજી તરફ કાવ્યા મારનની ધ હંડ્રેડની ટીમ સનરાઇઝર્સ લીડ્સનું સોશિયલ મીડિયા પરનું એકસ એકાઉન્ટ સસ્પેન્ડ થયું છે. કાવ્યા મારનની આઇપીએલ ટીમનું નામ સનરાઇઝર્સ હૈદરાબાદ છે. ધ હન્ડ્રેડના ઓક્શનમાં સનરાઝાઇર્સ લીડ્સના હેડ કોચ ડેનિયલ વિટ્ટોરી અને માલકિન કાવ્યા મારન દ્વારા અબરાર અહમદ પર બોલી લગાવવામાં આવી હતી અને તેને એક લાખ 90 હજાર પાઉન્ડ (લગભગ 2.34 કરોડ રૂપિયા)માં ખરીદ્યો હતો. આ સોદો એટલે વધુ વિવાદાસ્પદ બન્યો છે કે, કોઇ ભારતીય માલિકની ફ્રેન્ચાઇઝીમાં જોડાનારો અબરાર અહમદ પહેલો પાકિસ્તાની ક્રિકેટર બન્યો છે. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે, વર્ષ 2009થી આઇપીએલમાં પાકિસ્તાની ખેલાડીઓની નો-એન્ટ્રી છે.  પાક. ખેલાડી અબરાર અહમદને સનરાઇઝર્સ હૈદરાબાદની ધ હન્ડ્રેડ લીગની ટીમ સનરાઇઝર્સ લીડ્સ દ્વારા ખરીદવાનો ભારતમાં ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે. લોકો આઇપીએલમાં સનરાઇઝર્સ ટીમનો બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન બીસીસીઆઇના ઉપાધ્યક્ષ રાજીવ શુકલાએ જણાવ્યું કે, આ વિદેશી લીગનો મામલો છે. અમારે તેની સાથે કાંઇ લેવા-દેવા નથી. બીજી તરફ આ વિવાદ બાદ સનરાઇઝર્સ લીડસનું સોશિયલ મીડિયા એક્સ એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. જે માટેનું કોઇ કારણ અપાયું નથી.  ધ હન્ડ્રેડ લીગ 21 જુલાઇથી 16 ઓગસ્ટ દરમિયાન ઇંગ્લેન્ડમાં રમાશે. જેના ઓક્શનમાં અન્ય એક પાકિસ્તાની સ્પિનર ઉસ્માન તારિક 1.72 કરોડમાં બર્મિંગહામ ફીનિક્સ ટીમ સાથે જોડાયો હતો.  

Panchang

dd