ઉમર ખત્રી દ્વારા : મોટી વિરાણી (તા નખત્રાણા),
તા. 15 : ઉનાળો પોતાનો
પ્રકોપ બતાવી રહ્યો છે અને સીમાડે જળ ક્યાંક સુકાઈ ગયાં છે અને ક્યાંક સુકાવવાના આરે
છે, તો સીમાડે ઘાસ સફાચટ થઈ જતાં માલધારીઓ મુંઝવણમાં
મુકાયા છે. પંથકના કેટલાક વિસ્તારોમાં પશુપાલનના વ્યાવસાય સાથે સંકળાયેલા માલધારીઓને
દર વર્ષે ઉનાળા દરમિયાન પાણી અને ચારા માટે વલખાં મારવા પડે છે, ઉનાળામાં જ્યારે ચારા-પાણીની સ્થિતિ વિકટ બને છે, ત્યારે
પશુઓના નિભાવ માટે ચિંતાનો વિષય બની રહે છે. - ખેતરોમાં ભેલાણ અને ત્યાં જ
રહેઠાંણ : હાલમાં માલધારી પોતાના માલને ખેતરો ભણી
લઈ જાય છે. કારણ કે, હાલમાં શિયાળુ
પાક ઘઉં, રાયડો લણણી બાદ માલધારી ખેતરોમાં પાતાનાં પશુઓને ભેલાણ
માટે લઈ આવે છે અને થોડા સમય માટે ખેતરોમાં ભેલાણ અને ત્યાં જ રહેઠાંણ કરી રહ્યા છે.
- નખત્રાણા તાલુકામાં મોટા પ્રમાણમાં
પશુઓ : નખત્રાણા તાલુકામાં મોટા પ્રમાણમાં પશુઓ છે, હાલ નેત્રા પંથકના સીમાડામાં ચારા અને પાણીની
અછત સર્જાઇ છે, સીમાડામાં
ઘાસચારો સુકાઇ જતાં માલધારીઓને પોતાનાં પશુઓનો નિભાવ કરવો મુશ્કેલ બની રહ્યો છે,
ત્યારે હાલ રવીપાક એવા ઘઉંનું ઉત્પાદન પૂર્ણ થતાં માલધારીઓએ પોતાનાં
પશુઓ સાથે ખેતરોમાં પડાવ નાખ્યો છે. પંથકનાં ખેતરોમાં ઘઉં અને રાયડાના પાકની કાપણી
પૂર્ણ થયા બાદ ખેતરોમાં ગાય, ભેંસ, ઘેટાં
તેમજ બકરાનાં ઝૂંડ ચરતાં જોવા મળી રહ્યાં છે. પાક ઉપાડી લેવાતાં ખેતરોમાં બચેલા પાકના
અવશેષો અને ઊગેલું ઘાસ પશુઓ માટે ચારો બની રહ્યો છે. - પાણી છે, પણ ઘાસ નથી : આ અંગે સ્થાનિક માલધારીઓએ જણાવ્યું હતું
કે, ટાંકા અને અવાડામાંથી પશુઓને પીવા માટે પૂરતું
પાણી મળી રહે છે, પરંતુ ઘાસચારો ખૂટતાં માલધારીઓને ખેતરોનો સહારો
લેવો પડે છે. ખેતરોમાં પૂર્ણ થયેલા શિયાળું પાકના અવશેષોનું ચરિયાણ (ભેલાણ) કરીને માલધારીઓ
પશુઓનો નિભાવ કરી રહ્યા છે. ઉનાળાના પ્રારંભે જ આવી પરિસ્થિતિ છે, તો આખો ઉનાળો કેમ પસાર કરવો તેવી મુંઝવણ માલધારીઓ અને પશુપાલકોને સતાવી રહી
છે. - ફળદ્રુપતા વધારવા ખેડૂતો ત્રણેક
મહિના જમીનને તપાવે છે : ખેતરોમાંથી પાક ઉપાડી લીધા બાદ ખેડૂતો માલધારીઓને
ભેલાણ માટે છુટ આપે છે. રવીપાક લીધા બાદ થોડા સમય માટે ખેતરો ખાલી રાખવા આવે છે. શિયાળું
પાક પૂર્ણ થયા બાદ અને ચોમાસુ પાકનાં વાવેતર પહેલાંના સમયગાળા દરમિયાન જમીનની ફળદ્રુપતા
વધારવા માટે ખેડૂતો ત્રણેક મહિનાનું અંતર રાખીને જમીનને તપાવે છે, આમ ત્રણેક મહિના પડતર પડેલી જમીનમાં માલધારીઓ
પોતાની અનુકૂળતા પ્રમાણે ઢોરઢાંખર સાથે પડાવ નાખે છે, જેથી માલધારીઓને
રાતવાસો કરવા માટે જગ્યા મળી રહે છે અને ખેડૂતોને પશુઓનાં મળમૂત્ર દ્વારા નૈસર્ગિક
ખાતર મળી રહે છે. ઉલ્લેખનીય છે કે,
પંથકમાં સીમાડામાં ઘાસચારો સંપુર્ણપણે સુકાઇ જતાં અને ગૌચરમાં આડેધડ
દબાણો ખડકાયાં હોવાથી પશુપાલકો અને માલધારીઓને પોતાનાં પશુઓનાં ચરિયાણ માટે ભારે મુશ્કેલી
વેઠવી પડે છે.