ભુજ, તા. 15 : અહીંના આશાપુરા મંદિરે ચૈત્રી
નવરાત્રિ ઉજવણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ચૈત્રી નવરાત્રિ પૂર્વે શિખર/ ઘુમ્મટથી
આખું મંદિર પરિસર સહિત આરતી ગ્રુપના કાર્યકરો દ્વારા સ્વચ્છતા હાથ ધરી કારસેવા કરવામાં
આવે છે. છેલ્લી ત્રણ પેઢીથી પચ્ચીસ જેટલા સોની પરિવારના સભ્યો ચાંદીના દરવાજા, સિંહાસન, ભોગપાટ,
છત્તર, આભૂષણો દેશી પદ્ધતિથી ચમકાવવામાં આવે છે.
પૂજારી પરિવારના સભ્યો બધા જ ભગવાનને સિંદૂર ચડાવી શણગાર કવામાં આવેલ છે. ચૈત્રી નવરાત્રિ
તા. 18/3/ 26 બુધવારે સાંજે 6.15 કલાકે ઘટસ્થાપન કરાશે. તા.
20/3/ 26ના ચંદ્રદર્શન નિમિત્તે રાજ
પરિવારના મહારાણી પ્રીતિદેવી સાથે ટીલા મેલડીમાં પૂજા કરી મંદિરે માતાજીના આશીર્વાદ
મેળવશે. તા. 25/3/26ના હવન સાથે નવરાત્રિની પૂર્ણાહુતિ
કરાશે. ચાલુ વરસે નવરાત્રિ નિમિત્તે માતાજીની આરાધના સ્વરૂપે તા. 19/3/26થી 27/3/26 સુધી `મ્યુઝિક ટાઇમ' ઓરકેસ્ટ્રા તરફથી મંદિર પરિસરમાં રાત્રે 8 કલાકેથી દરરોજ રાસ-ગરબા રાખવામાં આવ્યા
છે. `ભુજ બ્લોગર્સ' ગ્રુપ તરફથી તા. 22/3/26 રવિવારે સાંજે 6થી 7.45 સુધી બેઠા ગરબા રાખવામાં આવેલ છે. સૌ માના ભક્તોને ભાગ લેવા
આમંત્રણ છે. નવરાત્રિ દરમ્યાન માતાજીને વિવિધ ફૂલ અને આભૂષણોથી શણગારવામાં આવશે. મહંત
પૂજારી જનાર્દન દવે, પૂજારી કવચ
અને મારૂત તેમજ નીતાબેન દવે વ્યવસ્થા સંભાળે છે.