ગાંધીધામ/ભુજ, તા. 15 : ભચાઉના કુંભારડી
નજીક વળાંક પર વીજ થાંભલામાં બાઇક ભટકાતાં બુઢારમોરાના તુલસી પાલા રબારી (ઉ.વ. 23) નામના યુવાનનું મોત થયું હતું.
બીજીબાજુ રાપરના માખેલ નજીક અજાણ્યાં વાહને હડફેટમાં લેતાં વાલા ખુમાણભાઇ ધવડે સારવાર
દરમ્યાન જીવ ખોયો હતો, જ્યારે ગઇકાલે
કેરામાં છકડાએ પાછળથી ટક્કર મારતાં બળદિયાના 14 વર્ષીય કિશોર એવા ફારુક કાસમ
વેણનું ગંભીર ઇજાનાં પગલે મોત નીપજ્યું હતું. બુઢારમોરામાં રહેનાર અને ત્રણ વર્ષીય
બાળકના પિતા એવો તુલસી રબારી નામનો યુવાન નવાગામ પાસેની જેકવાર કંપનીમાં કામ કરતો હતો.
આજે સવારે બાઇક નંબર જી.જે. 39-જે 7260 લઇને તે કામે જવા નીકળ્યો હતો.
વહેલી પરોઢે નીકળેલો આ યુવાન કુંભારડી નજીક સોમનાથ હોટેલ સામે વળાંક પર પહોંચ્યો હતો.
દરમ્યાન આ યુવાનનું બાઇક વીજ થાંભલા સાથે અથડાતાં તેને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી
હતી. 108 આવતાં તેમાં રહેલા તબીબે યુવાનને
મૃત જાહેર કર્યા હતા. યુવાનનાં અકાળે મોતને પગલે ભારે ગમગીની પ્રસરી હતી. બનાવ અંગે
કાનજી પાલા રબારીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વધુ એક બનાવ માખેલ નજીક સૂર્યમંદિર
નજીક પુલિયા પાસે બન્યો હતો. વાલાભાઇ ધવડ અહીંથી પસાર થઇ રહ્યા હતા. દરમ્યાન અજાણ્યા
વાહને તેમને હડફેટમાં લેતાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને પ્રથમ પલાંસવા પછી
ભુજની જી. કે. જનરલ અને બાદમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલ લઇ જવાયા હતા, જ્યાં સારવાર દરમ્યાન તેમણે છેલ્લા શ્વાસ લીધા
હતા. અજાણ્યા વાહનચાલક સામે રામજી ગંગારામ ધવડે ગુનો નોંધાવ્યો હતો. દરમ્યાન ગઇકાલે
સાંજે 7.30 વાગ્યાના અરસામાં કેરા ગામની
બેન્ક ઓફ બરોડાની સામે બે યુવક એક્ટિવા લઇને ઊભા હતા, ત્યારે પાછળથી પૂરપાટ આવેલા છકડાએ ટક્કર મારતાં
બળદિયામાં રહેતા 14 વર્ષીય તરુણ
ફારુક કાસમ વેણને માથાંના ભાગે ગંભીર ઇજા પહોંચતાં પ્રથમ તેને ભુજની ખાનગી હોસ્પિટલ
ખસેડાયા બાદ જી. કે. જનરલ હોસ્પિટલમાં લઇ આવતાં મોડી રાતે તેનું મોત નીપજ્યાનું ફરજ
પરના તબીબે જાહેર કર્યાની વિગતો હોસ્પિટલની પોલીસચોકીમાંથી મળી છે. આ અંગે માનકૂવા
પોલીસને જાણ કરાઇ છે.