• સોમવાર, 16 માર્ચ, 2026

ગાંધીધામમાં 182 કરોડના કૌભાંડમાં બે શખ્સોના જામીન નકારી દેવાયા

ગાંધીધામ, તા. 15 : શહેર, સંકુલમાં જુદા-જુદા બેન્ક ખાતા ખોલાવી, જરૂરિયાતમંદ કે ઓછું ભણેલા લોકોના નામે ખોટી પેઢી ઊભી કરી 81 બેન્ક ખાતાઓમાં રૂા. 182,37,68,872 જમા કરવી બેન્ક ખાતાની વિગતો સાયબર ફ્રોડ કરતા શખ્સોને આપી કમિશન લેવાના પ્રકરણમાં પકડાયેલા બે શખ્સોએ જામીન માટે અરજી કરતા બંનેની અરજી નામંજૂર કરવામાં આવી હતી. ગાંધીધામ, આદિપુરમાં આવેલી બેન્કોમાં રાપર, આડેસર, મોરબી વગેરેના જરૂરિયાતમંદ અને ઓછું ભણેલા લોકોના નામે સેવિંગ્સ, કરન્ટ બેન્ક ખાતા ખોલવામાં આવ્યા હતા તેમજ તેમના નામે ઓફિસો ભાડે લઇ તેમના નામે ખોટી પેઢીઓ ઊભી કરવામાં આવી હતી અને ઉધમ પોર્ટલ પર તેની નોંધણી પણ કરાવવામાં આવી હતી. વ્યવસ્થિત ઢબના આ કૌભાંડમાં 81 બેન્ક ખાતા ખોલવામાં આવ્યા હતા. જેમાં સાયબર ગઠિયાઓએ રૂા. 182,37,68,872 ઠગાઇના પૈસા જમા કરાવ્યા હતા અને અહીંના સ્થાનિક આરોપીઓ આ સાયબર ફ્રોડ કરનાર ગઠિયાઓને આ બેન્ક ખાતાની વિગતો મોકલી આપી તેની અવેજીમાં કમિશન મેળવતા હતા. આ 81 પૈકી 74 ખાતાઓ વિરુદ્ધ ઓનલાઇન પોર્ટલ પર ફરિયાદો થઇ ચૂકી છે. આ કૌભાંડ અંગે યશ મૂલચંદ ભાટિયા, સિદ્ધાર્થ સુનીલ સોનીઅલ્પેશ સુરેશ લુહાર, ઇલુભા મંગુભા જાડેજા, વિશ્વરાજસિંહ ઉર્ફે વિસુભા બાલુભા જાડેજા, વિજય રાણા, હાર્દિક હરેશ રાજગોર સામે ગુનો દાખલ થયો હતો, જેની તપાસ દરમ્યાન ચંદન કપીલ પંડયા, હિતેશ કિશન કપ્તાયાસિન રમજુ સાયેચા, દિપક જેઠાલાલ શર્માના નામ બહાર આવ્યા હતા. આ આરોપીઓ પૈકી અમુકની પોલીસે ધરપકડ કરી હતી. દરમ્યાન સાહિલ શર્મા અને અલ્પેશ લુહાર નામના શખ્સોએ અહીંની ચોથા અધિક જિલ્લા અને સેશન્સ કોર્ટમાં જામીન પર છૂટવા અરજી કરી હતી. ન્યાયાધીશ એ. એમ. મેમને બંને પક્ષોને સાંભળી સરકારી વકીલની દલિલોને ગ્રાહ્ય રાખી હતી અને આ બંનેના જામીન નકારી દીધા હતા. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ  કુ. હિતેશી પી. ગઢવી હાજર રહી ધારદાર દલીલો કરી હતી. 

Panchang

dd