• સોમવાર, 16 માર્ચ, 2026

ડોણ પંથકમાં મબલખ રવીપાકથી ખેડૂતો ખુશખુશાલ

જીવરાજ ગઢવી દ્વારા : કોડાય (તા. માંડવી), તા. 15 : ટેકરીવાળા માતાનાં બેસણાં છે તેવો રાજડા ડેમ રાજાશાહી વખતથી પંથકની ખેતી માટે ખૂબ જ ઉપયોગી રહ્યો છે. હાલ આ ડેમમાંથી આસપાસનાં 11 ગામની 4500 એકર જમીનને સિંચાઈનો લાભ મળતાં આ વિસ્તારમાં મબલખ રવીપાક થતાં ખેડૂતો ખુશખુશાલ બન્યા છે. ટેકરીના મહંત અર્જુનનાથજી બાપુના વિશેષ યોગદાન અને માર્ગદર્શનથી રાજડા ડેમ પાણી વિતરણ સમિતિની સક્રિયતાથી ડેમના કમાન્ડ એરિયામાં આવતી ખેતીમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. ગત સમયમાં રાજડા ડેમની જાળવણી તેમજ કેનાલની સાફસફાઈ અને રખરખાવથી પાણીનો મહત્તમ ઉપયોગ ખેતી માટે કરી રાજડા ડેમ પાણી વિતરણ સમિતિ અન્યો માટે પ્રેરણારૂપ બની છે. સૌના સહિયારા પ્રયાસોથી રાજડા ડેમનાં પાણીનો સિંચાઈ અર્થે 567 ખેડૂતો લાભ લઈ રહ્યા છે. રાજડા ડેમ પાણી વિતરણ સમિતિના પ્રમુખ દેવાંગભાઈ સાખરાએ જણાવ્યું કે, સ્થાનિકેથી ટેકરીના મહંત અર્જુનનાથ બાપુ દ્વારા ડેમની વિશેષ કાળજી લેવાઈ રહી છે. સમયાંતરે સરકારના સિંચાઈ વિભાગ અને ધારાસભ્યની ગ્રાન્ટ મારફતે ખેડૂતોનાં હિત માટે ડેમ સંબંધિત કાર્યો થયાં છે. આ ડેમ મારફતે રાજડા, ડોણ, વાડા, દુર્ગાપુર, મેરાઉ, ગોધરા, કાઠડા, કિશાનપુર, ભારાપર સહિતનાં ગામની 4500 એકર જમીનને રવીપાક માટે સિંચાઈનો લાભ મળ્યો હતો, જેમાં ઘઉં અને એરંડા જેવા રવીપાક મબલખ થતાં ખેડૂતો ખુશખુશાલ છે.  પાણી સમિતિના અંબાલાલ મૂરજી ભીમાણી અને સોમજી કરશન લીંબાણીએ રાજડા ડેમનાં માધ્યમથી પંથકની ખેતીમાં આમૂલ પરિવર્તન આવતાં સરકારનો આભાર વ્યકત કરી પાણીનો કરકસરપૂર્ણ ઉપયોગ કરવા અપીલ કરી હતી. ખેડૂતોની જીવાદોરી સમાન રાજડા ડેમની સિંચાઈ વ્યવસ્થાથી પ્રેરણા લઈ અન્ય ગામોમાં પણ ખેતી ક્ષેત્રે ક્રાંતિ લાવી શકાય છે. 

Panchang

dd