બેંગ્લોર, તા. 10 : દિલ્હી કેપિટલ્સે વિજયરથ આગળ
વધારીને આરસીબીને છ વિકેટે હાર આપી હતી, બેંગ્લોરની ટીમ 163નો સામાન્ય
સ્કોર કર્યા બાદ ડી.સી.એ. કે.એલ. રાહુલના માત્ર 53 દડામાં છ સિક્સર સાથે ધૂંઆધાર 93 (અણનમ) રનના સહારે 17.5 ઓવરમાં જ લક્ષ્ય પાર પાડયું
હતું. દિલ્હીએ 58 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી
હતી. ડુપ્લેસીએ બે, જેક ફ્રેઝરે
7, અભિષેક પોરેલે 7 રન કર્યા હતા, પણ રાહુલ અને સ્ટબ્સે (23 દડામાં 38 રન અણનમ) બાઝી સંભાળી હતી.
ભુવનેશ્વરે 26 રનમાં બે વિ. લીધી હતી. દિલ્હી
પાસે હવે ચાર મેચમાં આઠ પોઈન્ટ છે. અગાઉ બેંગલોરની શરૂઆત ધમાકેદાર રહી હતી. વિરાટ કોહલી
અને ફિલ સોલ્ટે 23 બોલમાં 61 રનની ભાગીદારી કરી હતી. જો
કે સોલ્ટ રનઆઉટ થતાં ભાગીદારી તૂટી હતી. સોલ્ટે ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી
17 બોલમાં 37 રન કર્યા હતા. સોલ્ટ બાદ આરસીબીએ
દેવદત્ત પડિક્કલની વિકેટ પણ જલ્દી ગુમાવી હતી. પડિક્કલ એક રને આઉટ થયો હતો, જ્યારે કોહલીને વિપ્રજ નિગમે મિચેલ સ્ટાર્કના
હાથે કેચ આઉટ કરાવ્યો હતો. દબાણ વચ્ચે લિયમ લિવિંગસ્ટોન ઉપર મોટી ઈનિંગ્સની આશા હતી,
પણ તે ચાર રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો. બાદમાં જિતેશ શર્માને કુલદીપ યાદવે આઉટ કરીને આરસીબીની
મુસીબત વધારી દીધી હતી. રજત પાટીદાર ક્રીઝ ઉપર સેટ થઈને આઉટ થયો હતો. તેણે 25 રન કર્યા હતા, જ્યારે સાતમો ઝટકો કુણાલ પંડયાના રૂપમાં લાગ્યો
હતો. અંતિમ ઓવરોમાં ટિમ ડેવિડે મોટા ફટકા રમીને આરસીબીને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડયું
હતું. ટિમ ડેવિડે 20 બોલમાં બે
ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 37 રન કર્યા
હતા. મેચમાં વિપ્રજ નિગમ અને કુલદીપ યાદવે બે-બે વિકેટ લીધી હતી, જ્યારે મુકેશ કુમાર અને મોહિત શર્માને એક એક
વિકેટ મળી હતી.