કોલકાતા, તા. 22 : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શરૂ થયેલી શ્રેણીની પહેલી ટી-20 મેચમાં અભિષેક શર્માનાં વંટોળમાં ઇંગ્લેન્ડની ટીમ ઊડી હતી. ઇંગ્લેન્ડે જીત માટે આપેલા 133 રનના લક્ષ્યને અભિષેક શર્માના તોફાની 34 બોલમાં 79 રનની મદદથી માત્ર 12.5 ઓવરમાં 3 વિકેટના નુકસાને આસાનીથી પાર પાડી દીધું હતું અને શ્રેણીનો જીત સાથે આરંભ કર્યો હતો. મેચમાં અભિષેક શર્મા અને તિલક વર્મા વચ્ચે 42 બોલમાં 84 રનની દમદાર ભાગીદારી થઈ હતી. આ રીતે પહેલી ટી-20માં ટીમને સાત વિકેટે જીત મળી હતી.ઇંગ્લેન્ડ તરફથી મળેલા લક્ષ્યનો પીછો કરતા સંજુ સેમસન અને અભિષેક શર્માએ સારી શરૂઆત અપાવી હતી. સંજુએ શરૂઆતમાં તાબડતોબ શોટ્સ રમ્યા હતા. જો કે, 41ના કુલ જુમલે સંજુ 20 બોલમાં 26 રન કરીને આઉટ થયો હતો. બાદમાં સૂર્યકુમાર યાદવ પણ શૂન્યમાં પેવેલિયન પરત ફરી ગયો હતો. આ દરમિયાન અભિષેકે બાજી સંભાળી હતી અને જોતજોતામાં ટીમને જીતની નજીક લાવી દીધી હતી. અભિષેકે માત્ર 20 બોલમાં જ અર્ધસદી પૂરી કરી લીધી હતી. અભિષેક 125ના કુલ સ્કોરે આઉટ થયો હતો. તેણે 34 બોલમાં પાંચ ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 79 રન કર્યા હતા. અભિષેક અને તિલક વચ્ચે 42 બોલમાં 84 રનની શાનદાર ભાગીદારી થઈ હતી. બાકીની કસર તિલક વર્માએ પૂરી કરી દીધી હતી અને ટીમને સાત વિકેટે જીત અપાવી હતી. ટીમ ઇન્ડિયાએ 12.5 ઓવરમાં જ 133 રન પૂરા કરી લીધા હતા.આ અગાઉ ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલાં બોલિંગ પસંદ કરી હતી. ઈંગ્લેન્ડને પહેલી જ ઓવરમાં અર્શદીપે ઝટકો આપતાં ફિલ સાલ્ટને આઉટ કરી દીધો હતો. બાદમાં ત્રીજી ઓવરમાં બેન ડકેટ 4 રને આઉટ થયો હતો. આ દરમિયાન કેપ્ટન જોશ બટલરે એક છેડો સાચવીને અર્ધસદી કરી હતી. બટલર મેચની 17મી ઓવરમાં આઉટ થયો હતો. તેણે 44 બોલમાં 8 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 68 રન ફટકાર્યા હતા. આ ઉપરાંત હેરી બ્રુકે 14 બોલમાં 17 અને જોફ્રા આર્ચરે 10 બોલમાં 12 રન કર્યા હતા. અન્ય કોઈ ઈંગ્લિશ બેટર નોંધપાત્ર પ્રદર્શન કરી શક્યા નહોતા. ભારત તરફથી સૌથી વધારે ત્રણ વિકેટ વરુણ ચક્રવર્તીએ લીધી હતી. આ ઉપરાંત અર્શદીપસિંહ, અક્ષર પટેલ અને હાર્દિક પંડયાને 2-2 વિકેટ મળી હતી.