• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

માધાપરમાં વિધિના બહાને ધુતારી મહિલાએ 1.30 લાખના દાગીના ધુત્યા

ભુજ, તા. 6 : પાંચેક દિવસ પૂર્વે માધાપરમાં નડતરની વિધિ કરવાના બહાને લોટ માગવા આવેલી મહિલાએ ગૃહિણીનો વિશ્વાસ કેળવી 1.30 લાખના સોનાંના ઘરેણા લઇને છૂ થઇ જતાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે. આ અંગે આજે માધાપર પોલીસ મથકે ઐશ્વર્યાનગરમાં રહેતા વનિતાબેન દેવશી ગોરસિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 1-7ના સાંજે તેઓ ઘરે એકલા હતા ત્યારે એક બાઇ ભૂરા-મરુન જેવા કલરની સાડી સાથે લોટ માગવા આવી હતી. થોડીવાર બાદ તે પરત આવી હતી અને જણાવ્યું કે, તમારા ઘરમાં બધા દુ:ખી છે. તથા તમારી એક દીકરીનું મરણ થઇ ગયું છે, આમ ફરિયાદીનો વિશ્વાસ કેળવી નડતર દૂર કરવા વિધિ કરવા માટે મનાવી લીધી હતી. આ નડતરની વિધિ માટે આરોપી અજાણી મહિલાએ દાગીના મગાવતા સોનાંનું દોઢ તોલાનું મંગળસૂત્ર કિં. રૂા. 60,000 અને પોણા બે તોલાની એક પોંચી કિં. રૂા. 70,000 એમ કુલે રૂા. 1.30 લાખના ઘરેણા તેની સામે મૂક્યા હતા અને ફરિયાદીને સામે બેસી જવા જણાવી ઘરના બહારના દરવાજાની વિધિ શરૂ કરવી પડશે, તેવું કહી આરોપી બહાર છૂ થઇ ગઇ હતી. પોલીસે છેતરપિંડીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang