રાપર, તા. 3 : આમ પણ શિક્ષકોની ઘટ ધરાવતાં
કચ્છ જિલ્લામાં નવી શાળાઓ મંજૂર કરવામાં આવતાં અને તેની સામે નવી નિમણૂક નહીં કરવામાં
આવતાં અનેક જગ્યાએ ચાલુ શાળાના શિક્ષકોને મૂકવામાં આવતાં શિક્ષકોની ઘટ વધતાં બાળકોના
અભ્યાસ પર અસર પડી રહી હોવાની અનેક ફરિયાદો ઊઠી રહી છે. રાપર તાલુકાની શાળામાં શિક્ષકોની
બદલીના મુદ્દે ગ્રામજનોમાં આક્રોશ ભભૂકી ઊઠ્યો
છે. તાલુકાનાં ઉમૈયાની સરકારી માધ્યમિક શાળામાં ધોરણ નવ અને દશના બે વર્ગોમાં 80 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
આ હાઈસ્કૂલના ત્રણ શિક્ષકોમાંથી એક શિક્ષકને શાનગઢમાં નવી મંજૂર થયેલી હાઈસ્કૂલમાં
અને બીજા ગણિત-વિજ્ઞાનનાં શિક્ષકને ધોળાવીરાની નવી શાળામાં મૂકવામાં આવતાં ઉમૈયાના
વિદ્યાર્થીઓના અભ્યાસ પર પ્રશ્નાર્થ સર્જાયો છે. બે વર્ગ, 80 વિદ્યાર્થીઓ
અને વહીવટી કામગીરી વચ્ચે એક જ શિક્ષક શું ભણાવે અને ભણાવે તો વહીવટી કામગીરી કેવી
રીતે કરે એ પ્રશ્ને ગામલોકો, એસએમડીસી
અને સરપંચ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને આ બદલી પામેલા વિજ્ઞાન શિક્ષકને છૂટા નહીં
કરવા રજૂઆત કરવામાં આવી હતી અને જો તેમને છૂટા કરી દેવામાં આવશે તો ગામલોકો દ્વારા
ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન અને શાળાને તાળાબંધી કરવાની ચીમકી આપવામાં આવી હતી.