• રવિવાર, 22 ફેબ્રુઆરી, 2026

કચ્છનો વસ્તી વૃદ્ધિદર આ વખતે વિક્રમી રહેવાનો અંદાજ

ભુજ, તા. 20 : દોઢ દાયકાના લાંબા અંતરાલ બાદ સમગ્ર દેશની સાથે કચ્છમાં પણ વસ્તી ગણતરીનો ધમધમાટ હાથ ધરાવાનો છે. ડિજિટલ માધ્યમથી બે તબક્કામાં હાથ ધરાનાર આ કામગીરી માટે તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે. 2001થી 2011ના ગાળામાં કચ્છમાં વસ્તી વધારાનો જેટલો વૃદ્ધિદર નોંધાયો હતો તેમાં આ વખતે નોંધપાત્ર વધારો થાય તેવો અંદાજ વ્યકત કરવામાં આવી રહ્યો છે. - છેલ્લી ગણતરી મુજબ કચ્છની વસ્તી 20.90 લાખ : 2011માં છેલ્લી વસ્તી ગતતરી હાથ ધરાઈ ત્યારે કચ્છની વસ્તી 20.90 લાખ નોંધાઈ હતી. 2001થી 2011 દરમિયાન વસ્તી વૃદ્ધિદર 32.16 ટકા નોંધાઈ હતી. વસ્તી ગીચતા પ્રતિ ચોરસ મીટર 46 વ્યક્તિની નોંધાઈ હતી. છેલ્લી ગણતરીમાં કચ્છનો વસ્તીમાં દેશમાં 217 અને ગુજરાતમાં 13મો ક્રમ નોંધાયો હતો. - શહેર-ગામડાંની વસ્તીનું અંતર ઘટી શકે : 2011ની વસ્તી ગણતરીમાં કચ્છમાં કુલ નોંધાયેલ 20.90 લાખની વસ્તીમાં 3પ ટકા વસ્તી શહેરી અને 6પ ટકા વસ્તી ગ્રામીણ વિસ્તારમાં નોંધાઈ હતી. છેલ્લા દાયકામાં જે રીતે કચ્છમાં શહેરીકરણનું પ્રમાણ જે રીતે વધી રહ્યું છે તે જોતાં આ વખતે શહેરી અને ગ્રામીણ વસ્તી વચ્ચેનું અંતર ઘટી શકે છે. - આ વખતની ગણતરી બે તબક્કામાં : કોરોનાનાં કારણે 2021માં વસ્તી ગણતરી હાથ ધરી શકાઈ નહોતી. હવે 16 વર્ષની લાંબી અવધિ બાદ હાથ ધરાનારી વસ્તી ગણતરી બે તબકકામાં પૂર્ણ થશે. 20 એપ્રિલથી 19મે સુધીના પહેલા તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સેસની કામગીરી ગણતરીદારો હાથ ધરશે. ફેબ્રુ 2027માં વસ્તી ગણતરીની મુખ્ય કામગીરી હાથ ધરાશે. આ વખતની કામગીરી ડિજિટલ માધ્યમથી હાથ ધરાવાની હોઈ જેમને વસ્તી ગણતરીની કામગીરીમાં સાંકળવામાં આવશે તેમને તાલીમબદ્ધ કરવામાં આવશે. હાઉસ લિસ્ટિંગ અને સેન્સેસની કામગીરીમાં વિવિધ પ્રકારના 33થી વધુ સવાલો પૂછવામાં આવશે. સ્થાનિક તંત્રવાહકોને પૂછતાં તેમણે કહ્યું કે, હાલ વસ્તી ગણતરીમાં જોતરાનાર સ્ટાફની વિગતો તેમજ તેમને તાલીમબદ્ધ કરવા સહિતનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. 

Panchang

dd