ગાંધીધામ, તા. 13 : અનંતકાળે સાધુત્વ પ્રાપ્ત થાય
તેને સૌભાગ્ય ગણવું જોઈએ. સાધુનાં દર્શન પુણ્યનું કારણ છે તેવું તેરાપંથ
સંઘના આચાર્ય મહાશ્રમણજીએ ગાંધીધામ ખાતે જૈન
શ્વેતાંબર તેરાપંથી સભા દ્વારા ચાલતા આધ્યાત્મિક ઉત્સવમાં પ્રવચન આપતા જણાવ્યું હતું. જીવનમાં મર્યાદાઓનું
મહત્ત્વ વિષય ઉપર પ્રવચન આપતા આચાર્ય મહાશ્રમણજીએ કહ્યું હતું કે, સાધુએ પાંચ આશ્રવ હિંસા, ચોરી, મૈથુન, પરિગ્રહ અને જુઠને જાણવા જોઇએ. તેવું કહી આ પાંચ
આશ્રવથી મુક્ત રહેવાનો પ્રયત્ન કરવો જોઇએ તેવું ઉમેર્યુ હતું. આશ્રવો પ્રત્યે સાધુએ
જાગરૂક રહેવું જોઇએ. પૃથ્વીકાય, અપકાય, વાયુકાય, વનસ્પતિકાય, તેઉકાય અને
ત્રસકાય પ્રત્યે આહિંસાનો ભાવ રાખવો જોઇએ. નિમિત્ત મળવા છતાં જેનું મન વિકૃત ન થાય
એ પુરુષ ધીર ગંભીર હોય છે. અનંતકાળે સાધુત્વ પ્રાપ્ત થાય છે તેને સૌભાગ્ય ગણવું જોઇએ.
તેમણે વધુમાં કહ્યું હતું કે, સાધુઓને ચલતા-ફરતા તીર્થ કહેવામાં
આવ્યા છે. સાધુનાં દર્શન પુણ્યનું કારણ છે. જે સાધુ પ્રરિગ્રહમાં અટકી જાય છે તે વાસ્તવમાં
ભટકી જાય છે. ચતુર્દશીને અનુલક્ષીને નવ દીક્ષિત
મુનિઓ સહિત સર્વે સાધુ-સાધ્વીઓએ મર્યાદા પત્રનું (હાજરી) વાંચન કર્યું હતું. મુનિ
દિનેશકુમારજીએ સાધ્વી પ્રમુખા કનકપ્રભાજીની ત્રીજી પુણ્યતિથિએ યાદ કરીને ગીતિકાનાં
માધ્યમથી શ્રદ્ધા સુમન અર્પણ કર્યાં હતા. આગમ આધારિત વિરાધક-આરાધક અવસ્થાઓ પર વિસ્તૃત
ચર્ચા કરી હતી. આજનાં પ્રવચનમાં મારવાડ જંકશન (રાજસ્થાન)ના ધારાસભ્ય કેશારામજી ચૌધરી,
ઓસવાલ સમાજ પંચપદરાના અધ્યક્ષ ગૌતમચંદજી સાલેચા, રાજસ્થાન જૈન નવયુવક મંડળના અધ્યક્ષ જવેરીલાલજી નાહટા, કંડલા કસ્ટમના આસિસ્ટન્ટ કમિશનર નરેન્દ્રજી
ચૌધરી, સિરવી સમાજના
અધ્યક્ષ રામલાલજી ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીધામ તેરાપંથ સંઘના અધ્યક્ષ અશોક સિંઘવી,
ઉપાધ્યક્ષ બજરંગ બોથરા,
મંત્રી રાજુ મહેતા, સહમંત્રી જીતેન્દ્ર સેઠિયા, મહાવીર સાલેચા, નરેશ સંઘવી, બાબુલાલજી સિંઘવી, પારસમલજી ખાટેડ કમલેશ ભંસાલી,
વસંતભાઈ સંઘવી, માણકચંદજી બાફના, અનંત ભંસાલી, સોહનલાલ બાલડ, વિકાસ
સુરાણા, ધીરજ સંકલેચા, નિર્મલજી લુણિયા,
મોહનભાઈ સંઘવી વગેરેએ મહેમાનોને આવકાર્યા હતા. સાધ્વી પ્રમુખા વિશ્રુતવિભાજીએ
સાધ્વી પ્રમુખા કનકપ્રભાજીની સેવાઓને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.