• સોમવાર, 16 માર્ચ, 2026

ત્રણ કરોડના ખર્ચે નિર્મિત `જ્યોતિ-કંચન' સંકુલનું લોકાર્પણ

ભુજ, તા. 15 : આરાધના ભવન જૈન સંઘ-ભુજના આંગણે અને ઉપક્રમે શ્રીમદ વિજય કલાપૂર્ણસૂરિશ્વરજી મ.સા.ના શિષ્ય કીર્તિચંદ્રસૂરિશ્વરજી મ.સા., કીર્તિદર્શનસૂરીજી મ.સા. આદિ સાધુ-સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં વાગડ સાત ચોવિસી-જૈન સમાજના ભુજમાં રહેતા પરિવારોના સંપૂર્ણ આર્થિક સહયોગથી નવનિર્માણ પામેલા `જ્યોતિ-કંચન' વિવિધલક્ષી સંકુલનું લોકાર્પણ કરાયું હતું. પ્રથમ ચરણમાં પરમાત્મા ભક્તિના મહોત્સવ બાદ ગુરૂદેવોની નિશ્રામાં સંઘ - સભવનાથ જીનાલયેથી નવનિર્મિત `જ્યોતિ-કંચન' વિવિધલક્ષી સંકુલ પાસે પહોંચ્યો હતો. મંત્રોચ્ચાર સાથે `જ્યોતિ-કંચન' વિવિધલક્ષી સંકુલ દિવાળીબા હોલ અને લક્ષ્મીબેન જયેન્દ્રભાઈ દામજીભાઈ હોલ, લિફટ, વિવિધ રૂમો, ઓફિસ આદીનું સંબંધીત દાતા પરિવારોના હસ્તે લોકાર્પણ કરાયું હતું. ત્યારે સમગ્ર પરિસર ભક્તિમય બન્યું હતું. આ `જ્યોતિ-કંચન' સંકુલનો મુખ્ય લાભ માતા જ્યોતિબેન એ. ડી. મહેતા પરિવાર અને માતા કંચનબેન સી. ડી. મહેતા પરિવારે તેમજ  ગ્રાઉન્ડ ફલોર પર આવેલા ઉપાશ્રય `િદવાળીબા હોલ'નો લાભ મહેતા મણીલાલ હરચંદભા પરિવાર, રાપર-ભુજવાળાએ અને પ્રથમ માળ પર આવેલા ઉપાશ્રય હોલનો લાભ માતા લક્ષ્મીબેન જયેન્દ્રભાઈ દામજીભાઈ લોદરીયા પરિવાર - વિજપાસર - ભુજવાળાએ લીધો હતો. ઉપરાંત લીફટ, વિવિધરૂમો, સુવર્ણસ્થંભ, રજતસ્થંભ આદીનો લાભ સંઘના વિવિધ પરિવારોએ લીધો હતો. હાલની વધતી જરૂરીયાતોને ધ્યાનમાં લઈને આ વિવિધલક્ષી સંકુલમાં એ.સી. લીફટ ગરમ-ઠંડા પાણીની 24 કલાક સગવડ સાથેના 14 અતિ આધુનિક રૂમો વિગેરે ત્રણ કરોડ કરતાં પણ વધારે ખર્ચે ભુજમાં રહેતા વાગડ સાત ચોવિસી જૈન સમાજના પરિવારોએ સંઘને અર્પણ કરતાં આ વિવિધલક્ષી સંકુલ બનાવવામાં સહભાગી બન્યા હોવાનું યાદીમાં જણાવ્યું હતું. શ્રીમદવિજય કીર્તિચંદ્ર સૂરિશ્વરજી મ. સાહેબે સંઘની એકતાને બિરદાવી હતી અને આશીર્વાદ આપ્યા તા. આ તકે  ચૈત્રી શાશ્વતી ઓળી કરાવવાનો લાભ માતા વિરૂબેન છગનલાલ સંઘવી પરિવાર સાંતલપુર-ભુજવાળાને આપવાની ઘોષણા કરાઈ હતી. આગળના ચરણમાં વિવિધલક્ષી સંકુલના દાતાઓ, કાર્યકરો વિગેરેનું અભિવાદન કરાયું હતું. સવારની નવકારસી કરાવવાનો લાભ માતા દિવાળીબેન મણીલાલ હરચંદ મહેતા પરિવારે અને સંઘ જમણનો લાભ માતા જ્યોતિ-કંચન પરિવારે લીધો હતો. મુંબઈ, સુરત, અમદાવાદ, ગાંધીધામ તથા કચ્છ-વાગડના ગામે-ગામના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સંઘના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી કમલભાઈ મહેતા તથા માનદમંત્રી ચંદુલાલભાઈ ગઢેચાના નેતૃત્વમાં સહમંત્રી રસીકલાલ સંઘવી, હોદેદારો, ટ્રસ્ટી મંડળ, સમાજ તથા યુવા ગ્રુપના હોદેદારો, યુવાનો, લાભાર્થી પરિવારના સભ્યો વિગેરેએ જહેમત ઉઠાવી હતી અને બહોળી સંખ્યામાં સંઘના ભાવિકો ઉપસ્થિત રહ્યા હોવાનું મીડિયા કન્વીનર વી. જી. મહેતાએ જણાવ્યું હતું. 

Panchang

dd