નગાવલાડિયા (તા. ભુજ), તા. 15 : ગુજરાત મહિલા
આર્થિક વિકાસ નિગમ અને મહિલા અને બાળઅધિકારીની કચેરી, ભુજના સંયુક્ત ઉપક્રમે નગાવલાડિયા ખાતે `મહિલા સ્વરોજગાર મેળા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળાનો મુખ્ય
ઉદ્દેશ્ય ગ્રામીણ મહિલાઓને ઘરઆંગણે રોજગારી અને આર્થિક સહાય પૂરી પાડી આત્મનિર્ભર બનાવવાનો
રહ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત નગાવલાડિયા ગામનાં સરપંચ દેવઈબેન
કાનગડે સરકારના વિવિધ વિભાગો અને ખાનગી સંસ્થાઓ જ્યારે ગામડાંના ઉંબરે આવીને તકો આપે
છે, ત્યારે બહેનોએ તેનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. જિલ્લા
ઉદ્યોગ કેન્દ્રના મદદનીશ કમિશનર શ્રી સિન્હા, મિલાપભાઇ (છજઊઝઈં-ભુજ),
ખુશ્બૂબેન (લીડ બેંક-બેંક ઓફ બરોડા) અને ચેતનાબેન (આઈટીઆઈ અંજાર) સહિતની
બેન્કોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. આ એકમો દ્વારા મહિલાઓને વ્યાવસાય શરૂ કરવા માટેની
સરકારી લોન યોજનાઓ, સબસિડી, કૌશલ્યવર્ધન
તાલીમ અને બાંકિંગ સહાય અંગે માહિતી આપી હતી.
ખાનગી ક્ષેત્રની નામાંકિત કંપનીઓ વેલસ્પન, એલ.આઈ.સી. ઓફ
ઈન્ડિયા અને એમ.આઈ. લાઈફસ્ટાઈલ દ્વારા રોજગારલક્ષી માર્ગદર્શન આપી મહિલાઓની પ્રાથમિક
પસંદગી કરવામાં આવી હતી. વધુમાં ભવના હેન્ડીક્રાફ્ટ, રિદ્ધિસિદ્ધિ
હેન્ડીક્રાફટ અને વસુધૈવ કુટુંબકમ જેવી સંસ્થાઓએ મહિલાઓને ઘરે બેસીને કામ મળી રહે તે
માટેની તકો વિશે માહિતગાર કરી હતી. કાર્યક્રમ દરમિયાન 0થી 6 મહિનાની દીકરીઓને `દીકરી વધામણા કિટ' આપવામાં આવી હતી તથા ધોરણ-8માં પ્રથમ, દ્વિતીય
અને તૃતીય ક્રમે ઉત્તીર્ણ થયેલી દીકરીઓને એજ્યુકેશન કિટ, ઉપરાંત
બાલિકા પંચાયત ટીમ તેમજ સંગીત, ચિત્રકામ અને ખેતી વ્યવસાયમાં
વિશિષ્ટ સિદ્ધિ મેળવનારા બહેનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લા
મહિલા અને બાળઅધિકારી અવનીબેન દ્વારા મહિલા સ્વાવલંબન યોજના વિશે તેમજ મહિલા અને બાળ
વિકાસ વિભાગની યોજનાઓની વિગતો આપી હતી. મોટી સંખ્યામાં બહેનોએ આ મેળાનો ઉત્સાહપૂર્વક
લાભ લીધો હતો અને વિવિધ યોજનાઓ માટે નોંધણી કરાવી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે
મહિલા બાળઅધિકારીની કચેરીનાં કર્મચારી પૂજાબેન, દીપ્તિબેન,
વર્ષાબેન, જિગરભાઈ, જુગલભાઈ,
શ્રી ઝાલાએ જહેમત ઉઠાવી હતી, સંચાલન ભાવનાબેન ગરવલિયાએ
કર્યું હતું.