બાબુ માતંગ દ્વારા : નિરોણા (પાવરપટ્ટી), તા. 12 : સરહદી જિલ્લાના
અનેક ગામોની પ્રા. શાળાઓમાં ઓરડાઓની ઘટ, શિક્ષકોની ઘટ વચ્ચે ભુજ તાલુકાના અંતરિયાળ ભખરિયા ગામની પ્રા. શાળામાં દિવાળી
પછીના સમગ્ર સત્ર દરમિયાન શિક્ષકના અભાવે શિક્ષણ વ્યવસ્થા ઠપ બનતાં ગામના અનેક બાળકોનું
ભાવિ અંધકારમાં ધકેલાયું છે. છેલ્લા કેટલાક વર્ષોથી લંગડાતા ગામનાં શિક્ષણને લઇ ગામલોકોમાં
રોષ ફેલાયો છે. આગામી દિવસોમાં શાળાના દરવાજા નહીં ખૂલે તો ગામના વાલીઓ 50 બાળકને દફતર સાથે લઇ જિલ્લા
પ્રા. શિક્ષણાધિકારીની કચેરી આગળ બેસાડશે, તેવી ચીમકી ઉચ્ચારી હતી. ભખરિયા ગામ મુસ્લિમ માલધારીઓની વસતી ધરાવે છે. ભૂકંપ
પછી 2005માં સર્વ શિક્ષા અભિયાન તળે
શાળાનું સંકુલ બન્યું છે. ગામમાં ભણવાલાયક 50 બાળક પણ છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી શાળામાં કાયમી શિક્ષકોના અભાવે શાળા ચાલુ-બંધ-ચાલુ-બંધ
હાલતમાં પડી છે. હાલ દિવાળી પછીના પૂરા સત્ર દરમ્યાન શાળા અલીગઢી તાળાંના તાબે રહેતાં
શિક્ષણની પ્રક્રિયા સદંતર ઠપ બની છે. છાત્રો બાપને રોજ કહે છે, `અભા... અમી... અજ પણ માસ્તર નાંય આયા...' ગામના અગ્રણીઓ નાગીયા ઉમર ભચુ, અબડા કાધર રમજુ, અબડા રજાક ભચુ સહિતે આ અખબાર પાસે રજૂઆત
કર્યા પછી તાલુકા પંચાયતના સભ્ય મામદ રહીમ જત અને અગ્રણીઓ સાથે ગામની મુલાકાત લીધી
ત્યારે બરાબર શાળાનો સમય હોઇ ગામની વિવિધ કાચા રસ્તાવાળી શેરીઓમાંથી કેટલાંક બાળકો
હારબંધ શાળા તરફ જતા નજરે ચડયા હતા. તો કેટલાક બાળકો શાળા બંધ હોઇ પરત ઘર ભણી જતા નજરે
ચડયા હતા. એ પૈકી દફતર સાથે સજ્જ અબડા હનીફ, અબડા હાસમા,
અબડા અનીશા, અબડા ઇરફાન, અબડા શબનમ, નાગીયા અલ્ફાના, નાગીયા
અશરફ વગેરે બાળકો ગામલોકો અને કચ્છમિત્ર સાથે તૂટી-ફૂટી ભાષામાં વાત કરતાં જણાવ્યું
હતું કે, દિઆરી પાછળ નિશાળ ખુલઇ જ નાંય... દાનકી દફતર ખણીને વનો
ને પાછા ઘરે વરી અચોંતા. અગ્રણીઓ સાથે ગામના વિવિધ વિસ્તારોમાં ફરતાં ઘણાં બાળકો દફતર
મૂકી આમ-તેમ ભટકતા જોવા મળ્યા હતા. તો કેટલાક બાળકો બકરીઓને લઇ સીમ તરફ ચરાવવા જતા
નજરે ચડયા હતા. એક પરિવારના ઘર આગળ તૂટી-ફૂટી `માયરી'
નીચે સેજાદ અબડા, અશરફ અબડા, સુફિયા અબડા નામના ત્રણે બાળકો પાટી-પેન લઇ એક-બીજા સામે નજરે જોઇ રહેલા જોવા
મળ્યા હતા. ગામજનો અને તાલુકા પંચાયત-ભુજ-શાસક પક્ષના નેતા મામદ રહીમ જતના કહેવા મુજબ
છેલ્લા ચાર-પાંચ વર્ષથી ગામની શાળામાં કાયમી શિક્ષકના અભાવે શાળા અવાર-ન વાર લાંબા
સમય સુધી બંધ રહી જાય છે. થોડા સમયમાં શાળામાં શિક્ષકની વ્યવસ્થા નહીં ગોઠવાય તો ગામનાં
બાળકો જિલ્લા પંચાયતમાં લઇ જઇ જિલ્લા પ્રા. શિક્ષણાધિકારીની કચેરી આગળ બેસાડી દેવામાં
આવશે, તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. દરમ્યાન આ બાબતે ભુજ તા.પ્રા.
શિક્ષણાધિકારી હસુમતીબેન પરમારનો સંપર્ક કરતાં જણાવ્યું હતું કે, અગાઉ લોરિયા ગ્રુપ શાળાના આચાર્યને સંબંધિત શાળામાં શિક્ષકની વ્યવસ્થા ગોઠવવા
જણાવ્યું છે, પણ વ્યવસ્થા થઇ નથી. આ અંગે લોરિયા ગ્રુપના આચાર્ય
રમીઝખાન કહે છે કે અમારી શાળામાં પણ શિક્ષકો અપૂરતા હોઇ અમારી કક્ષાએથી વ્યવસ્થા થઇ
શકી નથી. આ અગાઉ પણ આ શાળામાં શિક્ષકોના અભાવે શિક્ષણ ઠપ પડયું હોવાના અખબારી અહેવાલોના
પગલે જિલ્લા પંચાયત વિપક્ષી સભ્ય મામદભાઇ જુંગે પણ ભારે હોબાળો મચાવ્યા પછી થોડાક જ
દિવસોમાં શાળા શરૂ થઇ, પાછળ એ જ હાલતમાં હાલ શાળા બંધ પડી છે.
ગુજરાત રાજ્ય પ્રા. શિક્ષક સંઘના અગ્રણી હરિસિંહ જાડેજાને શિક્ષકના અભાવે પડોશી ગામમાં
શિક્ષણની ઠપ પ્રણાલી અંગે પૂછતાં જણાવ્યું હતું કે, ભુજ તાલુકાની
લગભગ 350 જેટલી પ્રા. શાળાઓ પૈકીઆ ગામની
એક માત્ર શાળા એવી છે જે શિક્ષકોના અભાવે બંધ પડી છે. - કાયદાકીય પગલાં ભરો : આ માટે જવાબદાર શિક્ષણ વિભાગના અધિકારીઓ, બી.આર.સી. - સી.આર.સી. કે ગ્રુપ શાળા કક્ષાએ
સંકળાયેલા શિક્ષકો સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ સાથે જિ.પં. સદસ્ય મામદ જુંગે
જિલ્લા વિકાસ અધિકારી, કલેક્ટર તેમજ જિ.પ્રા. શિક્ષણાધિકારીને
આવેદનપત્ર પાઠવવામાં આવશે એમ ઉમેર્યું હતું. - સર્વ શિક્ષા
અભિયાનમાંથી જ શાળા બાકાત : નિરોણા, તા. 12 : શિક્ષક વર્તુળમાંથી જાણવા મળેલી વિગતો મુજબ વર્ષો અગાઉ તત્કાલીન
પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ `સબ કે લિયે શિક્ષા' અભિયાન અંતર્ગત સર્વ શિક્ષા અભિયાનની શરૂઆત કરી છે, જે
મુજબ રાષ્ટ્રનાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળે તે માટે દેશની તમામ શાળાઓને ઓનલાઇન
કરી ડાયસ કોડ નંબરથી સાંકળવામાં આવેલી છે. એટલું જ નહીં શાળાના શિક્ષકો અને બાળકોને
પણ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી ડાયસ કોડ નંબર ફાળવવામાં આવ્યા છે, પરંતુ જિલ્લાની એક માત્ર ભખરિયાની શાળા ઓનલાઇન રજિસ્ટ્રેશનથી બાકાત છે.