• બુધવાર, 22 જાન્યુઆરી, 2025

ગાંધીધામના બેન્કિંગ વિસ્તારમાં પોલીસની ગેરહાજરી

ગાંધીધામ, તા. 20 : આ શહેરના સતત ધમધમતા એવા બેન્કિંગ સર્કલમાં પોલીસ પહેરો લગાડવામાં આવ્યો હતો, પરંતુ પાછળથી માત્ર પેટ્રાલિંગ પૂરતા આ સ્થળનો ઉપયોગ થઈ રહ્યો છે. અહીં અગાઉ ચિલઝડપ, લૂંટના બનાવો પ્રકાશમાં આવી ચૂક્યા છે. જેથી સત્વરે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ભૂતકાળના બનાવોનું પુનરાવર્તન થવાની ભીંતી સેવાઈ રહી છે. રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે નાણાકીય વ્યવહારનું આદાન-પ્રદાન ધરાવતા ગાંધીધામમાં દૈનિક મોટી સંખ્યામાં પૈસાની લેવડ દેવડ થાય છે. ત્યારે સરળ અને સુચારું નાણાંની હેરફેર માટે બેન્ક સૌથી શ્રેષ્ઠ વિકલ્પ રહે છે, પરંતુ પંચરંગી આ શહેરમાં બેન્કોના સમૂહ ધરાવતા બેન્કિંગ સર્કલમાં હાલે સુરક્ષા અને સલામતી મુદ્દે ગંભીર છબરડા જોવા મળી રહ્યા છે. અગાઉ આ વિસ્તારમાંથી લૂંટ, ચીલઝડપ જેવા ગંભીર બનાવો પ્રકાશમાં આવી ચૂક્યા છે. આવા બનાવોને અટકાવવા અને ગુન્હાખોરીને ડામવા અહીં પોલીસ કર્મચારીઓને સતત બંદોબસ્તમાં રાખવામાં આવ્યા હતા. દરમ્યાન પાછલા કેટલાક સમયથી આ સુવિધા ટૂંકાવી દેવાયાની ફરિયાદ ઊઠી રહી છે. ગાંધીધામના સતત ધમધમતા એવા બેન્કિંગ સર્કલમાં હાલ માત્ર પોલીસ પેટ્રાલિંગ કરીને સંતોષ માની લેવામાં આવે છે. આ સ્થળે દૈનિક મોટી સંખ્યામાં વેપારીઓ, નાગરિકોની આવન જાવન રહે છે. જેને કારણે વાહન વ્યવહાર વધી જતાં ટ્રાફિક સમસ્યાએ પણ માઝા મૂકી છે. સર્કલમાં ખાખીની ગેરહાજરીથી કેટલાક ચાલકો રોંગ સાઈડમાં વાહન હંકારી અકસ્માતોને આમંત્રણ આપતા હોવાની રાવ ઊઠી રહી છે. અમુક સ્થાને આડેધડ વાહન પાર્ક થતાં હોવાથી ટ્રાફિક સમસ્યા ઉદ્ભવે છે. કેટલીક વખત સીસીટીવી કેમેરા પણ બંધ હાલતમાં મુકાઇ ગયાના કિસ્સા સપાટી પર આવી ચૂક્યા છે. જેથી બેન્કિંગ સર્કલમાં પુન: પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી માંગ શહેરીજનોમાં ઊઠી રહી છે. - બેન્કો આસપાસ દબાણ ખડકાયાની ફરિયાદ : અહીંના બેન્કિંગ સર્કલ પર અનેક સરકારી, અર્ધ સરકારી તેમજ ખાનગી બેન્કો કાર્યરત છે. જેમાં દૈનિક હજારો લોકોની અવર જવર રહે છે, ત્યારે ધમધમતા આ વિસ્તારનો લાભ લેવા પાછલા કેટલાક સમયથી બેન્કો આસપાસ દબાણ ખડકી દેવાયા છે. આ મુદ્દે બેન્ક સંચાલકો દ્વારા બિનઅધિકૃત બાંધકામ દૂર કરવા માટે અહીંની નગરપાલિકામાં પણ ફરિયાદ કરી હતી, પરંતુ હજુ સુધી આ વિકટ સમસ્યા સંદર્ભે કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. જેના કારણે દબાણકારોને પ્રોત્સાહન મળી રહેતું હોવાની રાવ ઊઠી રહી છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd