• ગુરુવાર, 05 ડિસેમ્બર, 2024

કે.કે. પટેલ હોસ્પિટલને સુપર સ્પેશિયલ સેવાઓ માટે રાજ્ય સરકારનો એવોર્ડ

ભુજ, તા. 31 : કચ્છી  પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ સંચાલિત કે.કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલને ચેરિટેબલ હોસ્પિટલ તરીકે તથા અત્યાધુનિક નિદાન અને સારવાર ઉપકરણો તરીકે ઉત્કૃષ્ટ કાર્ય માટે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે એવોર્ડ પ્રદાન થયો હતો. આ એવોર્ડ હોકોન કોન્ક્લેવમાં આપવામાં આવ્યો હતો. જેમાં સમકાલીન સ્વાસ્થ્ય વિષયો જેવા કે સસ્ટેનેબલ હોસ્પિટલ, આયુષ્માન ભારત, ઇન્સ્યોરન્સ, નવા હોસ્પિટલ પ્રોજેક્ટ, ભારતની સ્વાસ્થ્ય સેવાઓ વિષે ચર્ચા થઈ હતી. કાર્યક્રમમાં હેલ્થકેર સેવાના જાણીતા વક્તા તથા લીડર્સ, ભારતની જાણીતી ખાનગી, ચેરીટેબલ, સરકારી, કોર્પોરેટ વગેરે તમામ પ્રકારની હોસ્પિટલના  ટ્રસ્ટી, માલિક, અધિકારી તથા ડાયરેક્ટર હાજર રહ્યા હતા અને હેલ્થકેર સેવાઓના વિવિધ આયામો પર ચર્ચા કરી હતી. આ કાર્યક્રમમાં કે.કે. પટેલ હોસ્પિટલ અને એમ.એમ.પી.જે. હોસ્પિટલ તરફથી  ડૉ. તૃપ્તિ સોન્થાલિયા (સીઓઓ- કે કે પટેલ હોસ્પિટલ), ડૉ. પ્રદીપ ભીંગરાડિયા (સીઓઓ-એમ એમ પી જે હોસ્પિટલ) ડો. ચિંતન મહેતા (ડેપ્યુટી સી ઓ ઓ), ડૉ. રૂગ્વેદ ઠક્કર (ક્રીટીકલ કેર ફીઝીશ્યન) તથા શૈલેશ પટેલીયાએ બંને હોસ્પિટલ તરફથી ભાગ લીધો હતો.  કે કે પટેલ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ છેલ્લા સવા બે વર્ષથી કચ્છ જીલ્લાની  સુપર સ્પેશ્યાલીટી સ્વાસ્થ્ય સેવાઓને ઉત્તમ તથા  ગુણવત્તાયુક્ત બનાવવા દાતાઓના સહયોગ તથા મરેન્ગો સીમ્સ હોસ્પિટલના માર્ગદર્શન હેઠળ નિરંતર કાર્યરત છે સન્માન બદલ હોસ્પિટલના નામકરણ દાતા કે કે પટેલએ તમામ તબીબો મેડિકલ પેરામેડીકલ સ્ટાફને બિરદાવ્યા હતા. સંચાલક લેવા પટેલ સમાજના પ્રમુખ વેલજીભાઈ પિંડોરિયા, ટ્રસ્ટ અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસીયા, ઉપાધ્યક્ષ કેસરાભાઈ પિંડોરિયા ત્રણેય પાંખોએ સેવાની ભાવના વધુ ચરિતાર્થ કરવા સંકલ્પ દ્રઢ કર્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang