• ગુરુવાર, 02 મે, 2024

ગાંધીધામમાં આઈ.ટી.એફ.ના પ્રતિનિધિએ ટ્રક ડ્રાઈવરોની સમસ્યા જાણી

ગાંધીધામ, તા. 19 : વિશ્વભરના સંગઠિત અને અસંગઠિત કામદારોના હિત માટે કાર્ય કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા ઈન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટ ફેડરેશન લંડનના ભારત સ્થિત પ્રતિનિધિએ તાજેતરમાં ગાંધીધામની મુલાકાત લઈને કંડલા અને મુંદરા બંદરે તેમજ કચ્છમાં અસંગઠિત હોય તેવા ટ્રક ડ્રાઈવરોની સમસ્યાઓથી અવગત થયા હતા. વેળાએ કંડલાના કામદાર સંગઠનના પ્રતિનિધિઓ સાથે પણ વિદેશના પ્રતિનિધિઓએ બેઠક કરીને વિવિધ બાબતો અંગે ચર્ચા વિચારણા કરી હતી.. કંડલા-મુંદરા બંદરેથી દેશના અન્ય શહેરોમાં પરિવહન કરતા ટ્રકચાલકોને કેટલું વળતર મળે છે?  તેમની મુશ્કેલીઓ શું છે તે બાબતનો અભ્યાસ કરવા માટે આઈ.ટી.એફ.ના સ્ટ્રટેજી, પોલિસી કો-ઓર્ડિનેટર વોલ સાન લીમ અને દિલ્હી સ્થિત અધિકારી અરવિંદ કૌશલ  આવ્યા હતા. પરિસંવાદમાં કંડલા, મુંદરા પોર્ટથી  લાકડા, કન્ટેનર સહિતનો માલ-સામાન અન્ય રાજ્યોમાં જતા ટ્રકચાલકોએ તેમની પગાર સહિતની મુશ્કેલીઓ વર્ણવી હતી. 24 કલાક ટ્રક ચલાવી કામ કરવાના માત્ર 12થી 15 હજાર મળતા હોવાનું અને તે સિવાય પણ  અઠવાડીક રજા, રહેવાની પૂરતા આરામની કોઈ સુવિધા હોવાની વાત રજૂ કરી હતી. પરિસંવાદમાં કચ્છ  જિલ્લા જનરલ કામદાનર સંઘ અને કંડલા પોર્ટ કર્મચારી સંઘના પ્રમુખ મોહન આસવાણી અને ઉપપ્રમુખ ભરત કોટિયાએ ભાગ લીધો હતો અને જે ટ્રક ડ્રાઈવરો પોર્ટ સિવાય ગાંધીધામથી અલગ-અલગ રાજ્યોમાં માલની હેરાફેરી કરે છે, તેમને પગાર પેટે નવથી 12 હજાર મળે છે, તેઓને કોઈ સરકારી નિયમોનો લાભ મળતો નથી અને કામદારોનું શોષણ રોકી શકાતું નથી. સંગઠિત યુનિયનો દ્વારા પરિસ્થિતિમાં સુધારો લાવી શકાય. કંડલા  પોર્ટ કર્મચારી  સંઘ ઈન્ટુક દ્વારા  ખાસ કાર્યક્રમ તૈયાર કરીને બે મહિનામાં સારી યોજના મારફત શોષણ થાય તે  દિશામાં કાર્ય કરાશે, તેવું શ્રી આસવાણીએ જણાવ્યું હતું. દરમ્યાન કુશળ-અકુશળ  અસંગઠિત કામદાર સંગઠનના પ્રમુખ  પૂનમબેન જાટ , મહામંત્રી વેલજીભાઈ જાટ, સતિષ મોતા, ઘનશ્યામ પાયકે  આઈ.ટી.એફ.ના પ્રતિનિધિઓની મુલાકાત લીધી હતી અને કામદાર સંબંધી પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang