• સોમવાર, 29 એપ્રિલ, 2024

અંજારમાં રામનવમીએ યોજાનારી રથયાત્રાની તડામાર તૈયારી

રશ્મિન પંડયા દ્વારા : અંજાર, તા. 15 : કચ્છના ઐતિહાસિક શહેર અંજારમાં દર વર્ષે શ્રીરામ ઘનશ્યામ જન્મોત્સવ ટ્રસ્ટ દ્વારા રામનવમી ઉજવણીની તડામાર તૈયારીઓ આરંભી છે. અંતર્ગત તા.17 એપ્રિલે ગુજરાત રાજ્યની બીજા નંબરની રથયાત્રા નીકળશે. અંગે પત્રકાર પરિષદ સંબોધતા શહેરના ધારાશાત્રી અને રામ-ઘનશ્યામ જન્મોત્સવ ટ્રસ્ટના માર્ગદર્શક અંકિતભાઇ ભટ્ટે જણાવ્યું હતું કે અંજાર મધ્યે યોજાતી શ્રીરામ રથયાત્રા માટેની તૈયારીઓ 2-3 મહિના અગાઉથી પ્રારંભી દેવામાં આવતી હોય છે. આગામી તા.17 એપ્રિલના યોજાનારી રથયાત્રા અંદાજે 1 કિ.મી. લાંબી રહેશે જેનો રૂટ 3 કિ.મી. જેટલો રહેશે. રથયાત્રા અંજારના સવાસર નાકા મધ્યે આવેલ સ્વામિનારાયણ મંદિરે પૂજન વિધિ બાદ, રઘુનાથજી મંદિરથી શરૂ થઇ શહેરના લોહાણા મહાજન વાડી માર્ગ, વાઘડિયા ચોક, સચ્ચિદાનંદ મંદિર માર્ગ, મોહનરાય ચોક, માધવરાય ચોકથી શાસ્ત્રી રોડથી કસ્ટમ ચોક, 12 મીટર રોડ, દેવળીયા નાકા, બસ સ્ટેશન રોડથી નયા અંજાર મધ્યે આવેલ ચકરાવા પાસેના પાતાળેશ્વર મહાદેવ મંદિરે પૂર્ણ થશે. રથયાત્રામાં 35થી વધુ સેવા કેમ્પો પોતાની સેવા આપશે તેમજ 26 ફ્લોટ્સ કૃતિ તથા સ્થાયી ફ્લોટ્સમાં 15 હરીફો વચ્ચે સ્પર્ધા યોજાશે. મુખ્ય રથયાત્રામાં મહાત્મા ગાંધી આશ્રમ, શ્રીરામ મંદિર અયોધ્યા, શ્રીરામ ભગવાનની આરતી, રાવણના દરબારમાં અંગદ, હોલિકાદહન, શ્રીનાથજીની ઝાંખી તેમજ ચૂંટણી જાગૃતિ અભિયાન જેવા વિવિધ ફ્લોટ્સ શોભાયાત્રામાં જોવા મળશે તેમજ સેન્ટર ફોર વોટર એન્ડ સેનિટેશન દ્વારા વરસાદી પાણીના સંગ્રહ સહિતની કૃતિઓ આકર્ષણ જમાવશે. વધુ માહિતી આપતા ટ્રસ્ટના પ્રમુખ દીપેનભાઇ જોશીએ કહયુ હતું કે રથયાત્રામાં સ્થાયી ફ્લોટ્સમાં નાના બાળકો કરાટેના દાવપેચનું પ્રદર્શન પ્રસ્તુત કરશે તેમજ ભારત દેશના વિવિધ રાજ્યોનો પરંપરાગત પહેરવેશ બાળકો દ્વારા રજૂ કરવામાં આવશે તેમજ નાના ભૂલકાઓ દ્વારા પર્યાવરણ વિષય અંગેની સમજૂતી સમાજને અપાશે તેમજ શિવજી અને પાર્વતીજીના વિવાહ સાથે શ્રીગણેશ અને કાર્તિકેયની પરિક્રમાના અદભુત દર્શન પણ થશે. અંજારના રંગતરંગ આર્ટીસ્ટ (ચિત્રકારો) ગૃપ દ્વારા શહેરના માર્ગો પર ચિત્રો બનાવવામાં આવશે. આયોજનમાં કુલ 309 જેટલા બાળકો ભાગ લેતા હોઇ શહેરના 309 જેટલા પરીવાર સીધી રીતે ભવ્ય રથયાત્રા સાથે જોડાયેલા છે એવું અંકિતભાઈએ ઉમેર્યું હતું. ભવ્ય રથયાત્રાની સાથે સંભવત ગુજરાતમાં પ્રથમ વખત ઓપન ગુજરાત લાઈવ ફોટોગ્રાફી તેમજ વિડીયોગ્રાફી  પ્રદર્શનનું આયોજન કરાયું છે. જેમાં ફોટોગ્રાફરો દ્વારા રથયાત્રા દરમ્યાન પાડવામાં આવેલી શ્રેષ્ઠ કૃતિઓનું પ્રદર્શન તા.27/4થી 28/4 દરમ્યાન  યોજાશે તેમજ 28/4/24 રવિવારના રથયાત્રાની 1) શ્રેષ્ઠ ફ્લોટ્સ હરીફાઇ, 2) શ્રેષ્ઠ સ્થાયી ફ્લોટ્સ, 3) શ્રેષ્ઠ સેવા કેમ્પ હરીફાઇ, 4) શ્રેષ્ઠ ફોટોગ્રાફી હરીફાઇ તેમજ 5) શ્રેષ્ઠ વિડિયોગ્રાફી હરીફાઇનું પરિણામ ટ્રસ્ટ વતી જાહેર કરી વિજેતાઓને રોકડ રકમ અને શિલ્ડ દ્વારા પુરસ્કૃત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સમગ્ર કચ્છમાં અંજારની રામનવમી નિમિતે યોજાતી રથયાત્રા ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવે છે, જેના માટે અંજાર શહેરમાં રથયાત્રાના રૂટના માર્ગો અને વિવિધ સર્કલો પર અનેક દિવસો અગાઉથી કલાત્મક અને સુશોભિત લાઈટો વડે શણગારવામાં આવ્યા છે, જેનો રાત્રીનો નઝારો અત્યંત રમણીય લાગે છે. પત્રકાર પરિષદમાં વીનેશભાઇ ઠક્કર, અંજાર ફોટોગ્રાફર્સ એસોસિએશનના પ્રમુખ હરેશભાઇ મઢવી ઉપસ્થિત રહ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang