• મંગળવાર, 30 એપ્રિલ, 2024

ગાંધીધામમાં કમોસમી વરસાદે રસ્તાનાં નબળાં કામોની પોલ ખોલી

ગાંધીધામ, તા. 15 : પંચરંગી નગરમાં રવિવારે પડેલા વરસાદના કારણે અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયા હતા. વરસાદ આવતાંની સાથે નગરજનોની મુશ્કેલીઓનો આરંભ થઈ ગયો છે. અહીંના આદિપુરમાં રામબાગ હોસ્પિટલ નજીક અનેક સ્થળોએ ભૂવા પડી ગયા છે તેમજ ભારતનગરમાં પણ રોડ વચ્ચે મસમોટા ખાડા પડી જતાં વાહનચાલકો કફોડી હાલતમાં મુકાઇ ગયા છે. ગાંધીધામમાં એક વરસાદી ઝાપટાથી નગરપાલિકા તંત્રની કામગીરીની પોલ ખુલી ગઈ હતી. આદિપુરમાં રામબાગ હોસ્પિટલ પાસે રોડ પર અનેક સ્થળોએ ભૂવા પડી ગયા હતા. દિવસના અજવાળે તો ઠીક છે, પણ રાત્રીના રસ્તેથી પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી સુધરાઇ તંત્ર રોડ, પાણી, ગટર જેવી પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ નીવડ્યું છે. ઉપરાંત શહેરમાં નલ સે જલ યોજના અંતર્ગત પાઇપો નાખવામાં આવી રહ્યા છે, પરંતુ કામગીરી પણ શંકાના ઘેરામાં આવી ગઈ છે. પાઇપો નાખવામાં આવ્યા બાદ યોગ્ય રીતે પેચવર્ક ના કરાતા આવનારા દિવસોમાં વરસાદી માહોલમાં પાઇપો પાસે પણ ભૂવા પડવાની શકયતા વ્યકત કરાઇ રહી છે. કમોસમી વરસાદ બાદ શહેરના ભારતનગર ખાતે આવેલા ભાનુભવનથી ગળપાદર તરફ જતા રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે. જેમાં ઠેરઠેર પાણી ભરાઈ ગયા છે. રાત્રિના સમયે જીવના જોખમે લોકોને અહીથી પસાર થવાની ફરજ ઊભી થઈ છે. પરિણામે ગંભીર બની રહેલી સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે તેવી માંગ શહેરીજનો દ્વારા કરાઇ રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang