નવી દિલ્હી, તા. 27 : ગાયક અરિજીતાસિંહે
સોશિયલ મીડિયા પર પ્લેબેક સાંગિંગમાંથી નિવૃત્તિની જાહેરાત કરતાં બોલીવૂડ-પ્રશંસકોમાં
ચર્ચાઓનો દોર શરૂ થયો હતો. તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે, તે હવે કોઈપણ પ્લેબેક સાંગિંગ પ્રોજેક્ટ્સ લેશે
નહીં. તેના આ નિર્ણયથી પ્રશંસકો નિરાશ થયા હતા. જો કે, તેણે સ્પષ્ટતા
કરી હતી કે, તે સંગીત બનાવવાનું બંધ નહીં કરે. હજુ પણ તેના ઘણા
પ્રોજેક્ટ બાકી હોવાથી આ વર્ષે તેના કેટલાક વધુ ગીતો લોકો સાંભળી શકશે. અલબત્ત,
તેણે આવું કરવા પાછળનું કારણ જણાવ્યું નહોતું. એક મીડિયા હેવાલ મુજબ,
અરિજીતે લખ્યું હતું કે, આપ સૌને નવા વર્ષની શુભકામનાઓ.
આટલા વર્ષોથી આપેલા પ્રેમ બદલ આભાર. હું બધાને જણાવવા માગું છું કે, હવે હું પ્લેબેક સિંગર તરીકે કોઈ પણ કાર્ય હાથમાં નહીં લઉં. હું અહીંયા જ વાત
પૂરી કરી રહ્યો છું. આ એક સુંદર યાત્રા રહી છે. તેણે સ્પષ્ટતા કરી હતી કે, તે સંગીત બનાવવાનું બંધ નહીં કરે અને તેની પાસે હજુ પણ ઘણા બાકી પ્રોજેક્ટ
છે, જે પૂર્ણ કરશે. અરિજિત સિંહની જાહેરાતથી પ્રશંસકો દુ:ખી થયા
છે. સેલેબ્સ પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે. રેપર બાદશાહે લખ્યું કે, સદીમાં એક વાર. સંગીતકાર અમાલ મલિકે લખ્યું કે, આ સાંભળીને
હું ખોવાઈ ગયો છું. મને સમજાયું નહીં, પણ હું તમારા નિર્ણયનો
આદર કરું છું, તો એક પ્રશંસકે લખ્યું કે, કૃપા કરીને આવું ન કરો. બીજાએ લખ્યું, તમારા નવા સ્વતંત્ર
સંગીત યુગની શરૂઆત કરો, જ્યારે અન્ય એક યુઝરે લખ્યું,
મારી પ્લેલિસ્ટમાં ફક્ત તમારા ગીતો છે. આવું ન કરો.