• બુધવાર, 28 જાન્યુઆરી, 2026

તુણામાં દબાણ હટાવ દરમ્યાન ઘર્ષણ

ગાંધીધામ, તા. 27 :  દીનદયાલ પોર્ટ દ્વારા પોર્ટના ભાવિ  પ્રકલ્પો માટે  કંડલામાં બે વખત  મેગા ઝૂંબેશ આદરવામાં આવ્યા. ભચાઉ તાલુકાના કાંઠા  વિસ્તારોમાં દબાણ હટાવ ઝુંબેશ  તાજેતરમાં આદરવામાં આવી હતી.  આ ઝુંબેશ આગળ વધીને હવે અંજાર તાલુકાનાં તુણા વિસ્તારમાં પહોંચી હતી. આ દરમ્યાન આજે ટોળાં દ્વારા બબાલ કરીને માથાકૂટ કરવામાં આવી હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. આ  બનાવની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની  હતી. આ ચકચારી મામલો પોલીસના દ્વારે પહોંચ્યો  છે. દરમ્યાન, આ મામલે પોર્ટના સત્તાવાર સાધનોએ આવી કોઈ ઘટના બની ન હોવાનું જણાવ્યું હતું અને પોલીસ બંદોબસ્ત હેઠળ કાર્યવાહી જારી રહેશે તેવું ઉમેર્યું હતું. આ અંગે આધારભૂત સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ  પોર્ટ પ્રશાસન દ્વારા તુણા  આસપાસની પોર્ટની માલિકીની 1500 એકર જમીનમાં થયેલાં દબાણ હટાવવા માટેની કાર્યવાહી  રવિવારથી  હાથ ધરવામાં આવી છે.  આજે પણ જેસીબી અને અન્ય મશીનો દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી ચાલુ હતી. આ દરમ્યાન મોટી સંખ્યામાં  દબાણાકારો એકત્ર થયા હતા. લોકોએ  પ્રશાસનની કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. દરમ્યાન એક તબક્કે મામલો ઉગ્ર બની ગયો હતો અને ઉશ્કેરાયેલા કેટલાક લોકોએ  જેસીબી મશીનમાં તોડફોડ  કરી હોવાના અહેવાલો સાંપડયા હતા.  પોર્ટના કર્મચારીઓ સાથે પણ હાથાપાઈ કરવામાં આવી હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. આજે સવારે 11 વાગ્યાના અરસામાં બનેલા આ બનાવ મુદ્દે શહેરમાં ભારે ચકચાર પ્રસરી છે. દરમ્યાન મળતી વિગતો મુજબ આજની આ ઘટના મામલે પોલીસ ફરિયાદ નોંધાવવા મામલે કંડલા પોલીસ મથકે પોર્ટના  સબંધિતો  પહોંચ્યા હતા, પરંતુ  મોડી રાત્રિ સુધી કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ  નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પોર્ટ દ્વારા પાંચ દિવસ પૂર્વે જાહેર નોટિસ આપવામાં આવી હતી અને પોર્ટની માલિકીની જમીન ઉપર દબાણ કરનારા લોકો સામે લેન્ડ ગ્રેબ્રિંગ એક્ટ અને લાગુ પડતા કાયદાઓ તળે કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવી ગેરકાયદે પ્રવૃતિ ન કરવા નોટિસમાં તાકીદ કરવામાં આવી હતી. 

Panchang

dd