ગાંધીધામ, તા. 27 : પૂર્વ કચ્છમાં પોલીસે અસામાજિક
તત્ત્વો વિરુદ્ધની ઝુંબેશ ચાલુ રાખી છે. અનેકના બિનઅધિકૃત દબાણો હટાવાયાં છે. તેવામાં
કિડાણામાં વધુ એક શખ્સના દબાણો મહાપાલિકા સાથે મળીને પોલીસે હટાવ્યા હતા. રાજ્ય સરકાર
દ્વારા 100 કલાકની યાદી તૈયાર કરવા જણાવ્યા
બાદ પૂર્વ કચ્છ પોલીસે 1900 જેટલા શખ્સનાં
નામ અસામાજિક તત્ત્વોની યાદીમાં મૂક્યાં હતાં, જે પૈકી અમુકના બિનઅધિકૃત દબાણો, વીજ જોડાણો કાપી નાખવામાં
આવ્યાં હતાં. પોલીસે આ કામગીરી સમયાંતરે ચાલુ રાખીને ઝુંબેશ જારી રાખી છે. કિડાણામાં
રહેનાર મુસ્તાક કાસમ નાગિયા (કકલ) નામના શખ્સ સામે અગાઉ બી-ડિવિઝન પોલીસ મથકે શરીર
સંબંધી, રાયોટિંગ જેવા ત્રણેક ભારે ગુના નોંધાયેલા છે. આ શખ્સના
બિનઅધિકૃત દબાણો અંગે મહાપાલિકા પાસેથી માહિતી મેળવાઇ હતી. કિડાણા-ભારાપર ચાર રસ્તાથી
અડધો કિ.મી. દૂર કાસેઝ તરફ જતાં જમણી બાજુએ સરકારી જમીન પર તેણે ઓરડીઓ બનાવી 1860 વાર ચોરસ ફૂટ જેટલું દબાણ કર્યું
હતું. રૂા. 1,86,00,000ની આ જમીન પર મનપાને સાથે રાખી
પોલીસ અહીં પહોંચી હતી અને મનપાની મદદથી આ બિનઅધિકૃત દબાણો તોડી પાડી સરકારી જમીન ખાલી
કરાવાઇ હતી. થોડા દિવસ પહેલાં પોલીસે આરોપીઓનું જાહેર ઇન્ટરોગેશન કરીને કડક સૂચના આપી
હતી, તેવામાં કાર્યવાહી કરાતાં આવા તત્ત્વોમાં સોપો
પડી ગયો હતો.