ગાંધીધામ, તા. 27 : રાપરના નવાપરા વિસ્તારથી આગળ
બોયડી કટિંગ નામની સીમવાળા રસ્તા પર ઘર પાસેથી વારંવાર વાહન ચલાવવાના ઠપકાનું મનદુ:ખ
રાખી શખ્સો પ્રવીણ જગમાલ ભરવાડ (ઉ.વ. 22) ઉપર છરી વડે હુમલો કરી તેની હત્યા નીપજાવી હતી. હત્યાના આ બનાવથી
ભારે ચકચાર પ્રસરી હતી. રાપરના નવાપરા વિસ્તારમાં રહેનાર પ્રવીણ નામના યુવાને ગઇકાલે
છેલ્લા શ્વાસ લીધા હતા. તેમના ઘર પાસેથી આરોપી એવો નિમેષ કિરટભા ગઢવી નામનો શખ્સ વારંવાર
વાહન લઇને પસાર થતો હતો. જે અંગે પ્રવીણે તેને ઠપકો આપ્યો હતો. દરમ્યાન ગત તા. 18/1ના બપોરના અરસામાં પેટ્રોલપંપ
નજીક પ્રવીણ હાજર હતો, ત્યારે નિમેષ
ગઢવી, તેના પિતા કિરીટભા મેઘાભા ગઢવી તથા અજાણ્યો શખ્સ આ યુવાન
પાસે આવ્યા હતા અને તેની સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો. પ્રવીણનો ઝઘડો થતાં તેના માતા
વીરાબેને પોતાના નાના દીકરા એવા બનાવના ફરિયાદી
શૈલેષ જગમાલ ભરવાડને ફોન કરી ભાઇનો કોઇ સાથે ઝઘડો થયો હોવાની વાત કરી હતી. બાદમાં સાંજે
પ્રવીણે ઝઘડા વિશે વાત કરી હતી. ગત તા. 25/1ના રવિવાર હોવાથી ફરિયાદી બપોરે ઘરે આવી ગયો હતો, ત્યારે તેની માતાએ પ્રવીણ સવારથી ઘરે આવ્યો
નથી તેવી વાત કરતાં ફરિયાદી શૈલેષ તેને શોધવા નીકળ્યો હતો. સાંજના અરસામાં ફરિયાદી
બોયડી કટિંગ નામની સીમવાળા રસ્તા પર ભાઇની તલાશમાં જઇ રહ્યો હતો, ત્યારે શખ્સ નગરપાલિકા જે જગ્યાએ કચરો નાખે છે, ત્યાં
પહોંચતાં ત્યાં પ્રવીણ અને નિમેષ ગઢવી ઝઘડો કરતા નજરે પડયા હતા. તેવામાં આરોપી નિમેષે
છરી કાઢી ફરિયાદીની નજર સામે તેના ભાઇના પેટના નીચેના ભાગે મારી દીધી હતી. શૈલેષે રાડારાડ
કરતાં આરોપી બાઇક લઇને નાસી ગયો હતો. ઘવાયેલા યુવાનને ઘરે લઇ જવાયા બાદ તેને દવાખાને
જવાનું કહેતાં તેણે વધારે તકલીફ થશે તો કહીશ તેમ કહી જમીને સૂઇ ગયો હતો. બીજા દિવસે
સવારે ઇજાવાળી જગ્યાએથી ઘણું લોહી નીકળતાં અને દુ:ખાવો થતો હોવાનું પ્રવીણે કહેતાં
તેને સારવાર અર્થે પ્રથમ રાપર અને ત્યાંથી વધુ સારવાર અર્થે સામખિયાળી લઇ જવાયો હતો,
જ્યાં તેને વધુ સારવાર મળે તે પહેલાં આ યુવાને છેલ્લા શ્વાસ લેતાં બનાવ
હત્યામાં પલટાયો હતો. બનાવ અંગે પોલીસે ગુનો દર્જ કરી આરોપીને હાથવેંતમાં લીધો હતો.
ભાઇની નજર સમક્ષ યુવાનની હત્યાના આ બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી.