• બુધવાર, 28 જાન્યુઆરી, 2026

આનંદ વ્યાસનાં નિધનથી ગુજરાતી પત્રકાર જગતે ઉમદા કલમનવેશ ગુમાવ્યા : વડાપ્રધાન

નવી દિલ્હી, તા. 27 :  `જન્મભૂમિ' પત્રોના નવી દિલ્હી ન્યૂઝ બ્યૂરોના વડા આનંદ કે. વ્યાસની શ્રદ્ધાંજલિ 28મી જાન્યુઆરીએ નવી દિલ્હી સ્થિત પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયાના પ્રાંગણમાં બપોરે ત્રણ વાગ્યે યોજાવાની છે. નવી દિલ્હીના વરિષ્ઠ પત્રકાર આનંદભાઈની સ્મૃતિમાં યોજાનારી આ સભામાં પત્રકારત્વ ક્ષેત્રે તેમના યોગદાન, સત્ય પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા તથા વ્યાવસાયિક નિષ્ઠા જેવાં પાસાંને યાદ કરવામાં આવશે. વિવિધ ક્ષેત્રના મહાનુભાવો તથા સંસ્થાઓ તરફથી શોકસંદેશ પણ આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આનંદભાઈના પિતા અને `જન્મભૂમિ'ના મેનેજિંગ એડિટર કુન્દનભાઈને સંબોધીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, આનંદભાઈના આકસ્મિક અવસાનના સમાચાર જાણી ઘણું દુ:ખ થયું. પિતા તરીકે સંતાનની અણધારી વિદાય અત્યંત પીડાદાયક હોય છે. આ સમયે પરિવારની મનોસ્થિતિ સમજી શકું છું. પત્રકાર તરીકેની અઢી દાયકાની તેમની કારકિર્દી ઘણી રાજકીય-સામાજિક ઘટનાઓ અને પરિવર્તનની સાક્ષી રહી છે. ગુજરાતી પત્રકાર જગતે એક ઉમદા પત્રકાર ગુમાવ્યો છે. સમગ્ર પરિવાર અને જન્મભૂમિ જૂથને મારી દિલસોજી, ભગવાન સદ્ગતના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના એમ વડાપ્રધાને પત્રમાં જણાવ્યું છે. શ્રી દક્ષિણ દિલ્લી ગુજરાતી મંડળ તથા મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘે પણ પત્ર દ્વારા દિલસોજી વ્યક્ત કરી છે. 

Panchang

dd