• બુધવાર, 28 જાન્યુઆરી, 2026

દયાપરમાં દારૂનાં દૂષણને ડામવા મહિલાઓ દ્વારા `જનતા રેડ'

દયાપર (તા. લખપત), તા. 27 : તાલુકાના મુખ્ય મથક દયાપર ખાતે ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે અને તેના લોકેશન સહિત `કચ્છમિત્ર'માં દોઢ મહિના પહેલાં અહેવાલ પ્રસિદ્ધ થયો હતો, પરંતુ પોલીસ દ્વારા કોઈ પણ કાર્યવાહી ન કરાતાં અંતે  મહિલાઓએ દારૂના બુટલેગરને ઝડપી પોલીસ હવાલે કર્યો હતો. દયાપરના તળાવથી વાડીએ જતા રસ્તા વચ્ચે એક વસાહતના `ગેટ' પર દારૂ ઘણાં સમયથી વેચાય છે. લોકોની જિંદગી બરબાદ કરતા નશા અંતર્ગત નાગરિકો પણ પરેશાન છે. સોસાયટીમાં તથા બહાર ઉમિયા નગરની પૂર્વ દિશામાં તેમજ સીમમાં દારૂનો વેપલો વધ્યો છે. તાજેતરમાં એક સ્વિફ્ટ કારના કાચ તોડી પોલીસે દારૂની બોટલો પકડી હતી પણ તે આખું પ્રકરણ દબાઈ ગયું. દયાપર આસપાસના ગામડાંઓમાં પણ દારૂનું દૂષણ વધ્યું છે. દયાપર ખાતે ઉત્તર બાજુની સોસાયટી અને તળાવથી  વાડીવિસ્તારમાં જતા રસ્તા વચ્ચે દારૂના સપ્લાયરને અટકાવી `કોથળીઓ' બાઈકની ડીકીમાંથી કઢાવી તેવો જનતા રેડનો વીડિયો વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યો છે. પવનચક્કીનું પ્રમાણ વધતાં રાજ્ય બહારના લોકો રાત્રે દારૂની મહેફિલ કરી રહ્યા છે. દેશી તેમજ વિદેશી દારૂ પણ દયાપરમાં છૈટથી મળે છે ત્યારે પોલીસને હવે ત્રીજી આંખ દેખાડવી જરૂરી બની છે. 

Panchang

dd