• બુધવાર, 28 જાન્યુઆરી, 2026

યુજીસીના નિયમોનો વિરોધ તીવ્ર; સરકારનો બચાવ

નવી દિલ્હી, તા. 27 : યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી)ના ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં જાતિગત ભેદભાવ રોકવા માટેના નવા નિયમની કેટલીક જોગવાઈઓને લઈને દેશભરમાં જનરલ કેટેગરીના અને સવર્ણ વિદ્યાર્થીઓના દેશભરમાં ચાલી રહેલા દેખાવો વધુ તીવ્ર બની રહ્યા છે. નવી દિલ્હીમાં યુજીસીના મુખ્ય મથક બહાર આજે છાત્રો સહિતના લોકોએ દેખાવો કર્યા હતા. ઉત્તરપ્રદેશના બરેલીમાં સિટી મેજિસ્ટ્રેટ અલંકાર અગ્નિહોત્રીએ પણ યુજીસીના નવા નિયમો અને અવિમુક્તેશ્વર સ્વામી સાથે થયેલા દુર્વ્યવહાર મામલે રાજીનામું આપી દેતાં ચકચાર મચી છે. વધતા વિરોધ વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, કોઈને આ નિયમોનો દુરુપયોગ કરવા દેવાશે નહીં. કોઈની સાથે ભેદભાવ થશે નહીં. યુજીસીના મથક બહાર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઈ હતી. જો કે, ઘણા યુવાઓએ પ્રદર્શનો કર્યા હતા. વિદ્યાર્થી જૂથોએ નવા નિયમો પાછા ખેંચવાની માંગ કરી હતી. એ જ રીતે ઉત્તરપ્રદેશના લખનઉ, બરેલી, રાયબરેલી, વારાણસી, મેરઠ વગેરે શહેરોમાં પણ પ્રદર્શનો થયા હતા. નવા નિયમોને લઈને જાણીતા કવિ કુમાર વિશ્વાસે લખ્યું હતું કે, મૈં અભાગા સવર્ણ હું... મેરા રોયા રોયા ઉખાડ લો રાજા. વિનિત જિંદાલ નામની વ્યક્તિએ સુપ્રીમ કોર્ટમાં નવા નિયમોને પડકારતી અરજી દાખલ કરીને આક્ષેપ કર્યો છે કે, તેમાં સામાન્ય કેટેગરીના વિદ્યાર્થીઓને બાકાત રાખવામાં આવ્યા છે. તેમની સાથે પણ ભેદભાવ થતો હોય છે. આ નિયમો પાછા ખેંચાવા જોઈએ. - નવા નિયમમાં શું છે ? : યુજીસીએ 13મી જાન્યુઆરીથી નવા નિયમો અધિકૃત કર્યા હતા. પ્રમોશન ઓફ ઈક્વિટી ઈન હાયર એજ્યુકેશન  ઈન્સ્ટિટયુશન રેગ્યુલેશન 2026 નામના આ નિયમો અંતર્ગત ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં એસ.સી.-એસ.ટી. તેમજ અન્ય પછાત વર્ગના છાત્રો સામેના ભેદભાવને લગતી ફરિયાદો ચકાસશે, એ માટે વિશેષ સમિતિઓ રચાઈ રહી છે. સામાન્ય વર્ગના છાત્રોનું કહેવું છે કે, આ નિયમો જ ભેદભાવને ઉત્તેજન આપી શકે છે અને જનરલ કેટેગરી વિરુદ્ધના છે. 

Panchang

dd