• બુધવાર, 28 જાન્યુઆરી, 2026

ભારતીયોનું `અમેરિકન ડ્રીમ' તૂટયું : સ્વદેશ વાપસી વધી

નવી દિલ્હી, તા. 27 : ભારતીય વર્કર્સ માટે `અમેરિકન ડ્રીમ' હવે ધીમે ધીમે ખતમ થતું જણાય છે, ખાસ કરીને  અમેરિકા ખાતે ટેકનોલોજી ક્ષેત્રમાં નોકરી કરનારા માટે સ્થિતિ વધુ વણસતી દેખાય છે. હવે અમેરિકાથી ભારત પરત ફરી રહેલા ટેકનોલોજી ક્ષેત્રના નોકરિયાતોની સંખ્યા વધી રહી છે, જે આશ્ચર્યજનક છે. પહેલાં ભારતીયો અમેરિકા જવા માટે આતુર રહેતા હતા, હવે તેઓ પરત આવવા માટે તૈયાર દેખાઈ રહ્યા છે. આ પરિવર્તન ચોંકાવનારું છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, જોબ પોસ્ટિગ વેબસાઇટ લિંકડઇનના ડેટા પરથી જાણવા મળે છે કે 2025ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં એવા લોકોની સંખ્યા 40 ટકા વધી છે, જેમણે પોતાનું કાર્યસ્થળ બદલીને ભારત કર્યું છે. કોઈ પણ ટેક-વર્કર માટે અમેરિકા ખાતે નોકરી કરવી કારકિર્દી માટે શ્રેષ્ઠ માનવામાં આવતી હતી, પરંતુ હવે આ દૃશ્ય બદલાઈ રહ્યું છે અને ભારતીયો પોતાના દેશમાં નોકરી શોધી રહ્યા છે. અહીં પ્રશ્ન એ ઊભો થાય છે કે ભારતીય ટેક વર્કર્સ અમેરિકા છોડીને પોતાના દેશમાં શા માટે પરત ફરી રહ્યા છે? હકીકતમાં તેનો મુખ્ય જવાબ એચ-1બી વિઝા છે. અમેરિકા ખાતે ટેક સેક્ટરમાં નોકરી માટે એચ-1બી વિઝા આપવામાં આવે છે, પરંતુ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દ્વિતીય કાર્યકાળમાં ત્યાંની સરકારની વિઝા નીતિમાં ભારે અનિશ્ચિતતા જોવા મળી છે. દર વર્ષે 65 હજાર એચ-1બી વિઝા આપવામાં આવે છે, જેમાં ભારતીયો સૌથી અગ્રસ્થાન રહે છે. આ ઉપરાંત અમેરિકા ખાતે ડિગ્રી મેળવી હોય તેવા 20 હજારને વિઝા મળે છે. આ શ્રેણીમાં પણ ભારતીયોને મોટી સંખ્યામાં વિઝા મળે છે. પરંતુ ટ્રમ્પ સરકારે એચ-1બી વિઝા અંગે બે મોટા ફેરફાર કર્યા છે, જેના કારણે ભારતીયો માટે અમેરિકા ખાતે નોકરી મેળવવી અને ત્યાં રહેવું મુશ્કેલ બન્યું છે. પ્રથમ, વિઝા ફી વધારીને 1 લાખ ડોલર કરી દેવામાં આવી છે. તેના કારણે હવે કંપનીઓ માટે આ ભારે ફી ભરવી પડે છે, જેનાથી ભારતીય વર્કર્સને નોકરી મળવી મુશ્કેલ બની છે. બીજી તરફ, લોટરી સિસ્ટમ પણ રદ કરવામાં આવી છે. આ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ માટે ડિગ્રી પૂર્ણ કર્યા પછી એચ-1બી વિઝા મેળવવા વધુ મુશ્કેલ છે કારણ કે નવી વિઝા સિસ્ટમમાં ઊંચી સેલરી હોય ત્યારે જ એચ-1બી મળવાની શક્યતા છે.  આ સંદર્ભમાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીથી એમબીએ કરીને સપ્ટેમ્બરમાં ભારત પરત આવી ક્વાંટ ફંડ `નવારક'ની શરૂઆત કરનાર અર્ણવ મહેતાએ જણાવ્યું, ``આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને વધુ તપાસનો સામનો કરવો પડે છે, તેમને નોકરીની ઓફર ઓછી મળે છે અને તેમની કારકિર્દીમાં વિકલ્પો મર્યાદિત રહે છે. બ્લેકરોક અથવા ફેસબુક જેવી મોટી કંપનીઓ સિવાય, અન્ય કંપનીઓ માટે એચ-1બી વિઝાધારકોને નોકરી પર રાખવા ખૂબ મુશ્કેલ છે. 

Panchang

dd