• બુધવાર, 28 જાન્યુઆરી, 2026

ગાંધીધામમાં કાકાના દીકરાએ ભાઈ સાથે કરી 70 લાખની ઠગાઈ

ગાંધીધામ, તા. 27 : શહેરની એક આંગડિયા પેઢીમાં કામ કરનારા કાકાના દીકરા એવા ભાઈએ પોતાના કૌટુંબિક ભાઈના રૂા. 69,79,890 હડપ કરી જતાં તેની સામે પોલીસ મથકે ગુનો દર્જ થયો હતો. શહેરના ગુરુકુળ વિસ્તારમાં રહેનાર ફરિયાદી જિગરકુમાર જયંતીલાલ ઠક્કર ગાંધીમાર્કેટ સામે પાર્વતી ચેમ્બરમાં ઓફિસ નંબર 19મા પ્રાઈમ એન્ટરપ્રાઈઝ નામની આંગડિયા પેઢી ચલાવે છે. અગાઉ સામખિયાળી ખાતે આંગડિયા પેઢી ચલાવનાર આ ફરિયાદીના સગા કાકા જિતેન્દ્રકુમાર નારાણદાસ ઠક્કર અને કાકી નયનાબેનના કહેવાથી તેમના દીકરા હર્ષને ફરિયાદીએ સામખિયાળી ખાતે કામે રાખ્યો હતો. બાદમાં ફરિયાદીએ ગાંધીધામ ખાતે પેઢી ચાલુ કરી હતી, જેમાં કામકાજ અર્થે પગારથી હર્ષને નોકરીએ રાખ્યો હતો. શરૂઆતમાં આ આરોપી સારી રીતે વહીવટ સંભાળતો હતો. બાદમાં વર્ષ 2024માં હિસાબની તપાસ કરતાં હિસાબમાં વધઘટ જણાઈ આવી હતી. હર્ષને તે અંગે પૂછતાં તેણે માર્કેટમાં ઉઘરાણી બાકી હોવાનું કહી ઉઘરાણીની યાદી બનાવી હતી. બાદમાં ફરીથી 2025માં હિસાબ માગતાં આરોપી પોતાનાં ઘરે ગાંધીનગર ચાલ્યો ગયો હતો. હિસાબની માગણી સામે તે બહાના કરતો હતો. તેણે છેતરપિંડી કરી હોવાનું જણાતાં ફરિયાદીએ ઓફિસે આવી ખાતાની તપાસ કરી હતી અને આરોપીને ફોન કરી ખાતાબુકની પીડીએફ મગાવી હતી, જે યાદીમાં જેના પૈસા બાકી બોલતા હતા તેનો સંપર્ક કરતાં તેમની કોઈ લેવડ-દેવડ બાકી ન હોવાનું તથા અમુક બાકીદારોનાં નામ પણ ખોટા લખેલાં હોવાનું બહાર આવ્યું હતું. જેથી ફરિયાદી જિગરે પોતાના કાકા, કાકીને તેની જાણ કરતાં આરોપીએ રૂા. 79,64,890માંથી રૂા. પાંચ લાખ પહેલાં અને રૂા. 4,95,000 બાદમાં ફરિયાદીને આપી દીધા હતા. જયારે રૂા. 69,79,890 બાકી રકમ અંગે વારંવાર ઉઘરાણી કરવા છતાં તે ખોટા વાયદા આપતો હતો. અંતે પોલીસ મથકે છેતરપિંડી સહિતની કલમો તળે ગુનો નોંધાયો હતો. 

Panchang

dd