નવી દિલ્હી તા. 27 : અમેરિકાની અકળામણ વધારતા ઘટનાક્રમમાં ભારત અને યુરોપિયન યુનિયન (ઈયુ) વચ્ચે એક ઐતિહાસિક મુક્ત વેપાર કરાર (એફટીએ) થયો છે. મંગળવારે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈયુના ટોચના નેતાઓ ઉર્સૂલા વોન ડર લિયન અને એન્ટોનિયો કોસ્ટાની હાજરીના યોજાયેલી ભારત-ઈયુ સમિટમાં આ `મધર ઓફ ઓલ ડીલ'ની જાહેરાત કરવામાં આવી હતી. જે મુજબ 27 દેશમાં ભારતનો 93 ટકા માલ ડયૂટી મુક્ત બનશે, તો બીજી તરફ ભારતમાં આયાત થનારી લકઝરી કાર પર ટેરિફ 110 ટકાથી ઘટીને 10 ટકા, પ્રીમિયમ શરાબ પર 1પ0 ટકાથી 20 ટકા, બીયર પર પ0 ટકા થશે. ઓલિવ ઓઈલ પર ટેરિફ ખતમ થયો છે. મેડિકલ ઉપકરણો પર ટેક્સ ખતમ થયો છે, તેને મધર ઓફ ઓલ ડીલ્સ ગણાવી હતી. એફટીએથી ભારતમાં અનેક આયાતી ચીજોના ટેરિફમાં નોંધપાત્ર ઘટાડો થશે અને ઘરઆંગણે સસ્તી થશે. લગભગ બે દાયકાની વાટાઘાટો પછી થયેલા આ કરાર વૈશ્વિક જીડીપીના આશરે 25 ટકા અને વૈશ્વિક વેપારના ત્રીજા ભાગને આવરી લે છે. પીએમ મોદીએ કહ્યું કે, આ ભારતના ઇતિહાસનો સૌથી મોટો મુક્ત વેપાર કરાર છે. તે વહેંચાયેલ સમૃદ્ધિ માટે એક બ્લૂપ્રિન્ટ છે જે રોકાણ, નવીનતા અને સપ્લાય ચેઇનને મજબૂત બનાવશે. યુરોપિયન નેતાઓએ તેને એક ઐતિહાસિક પગલું ગણાવ્યું, જે ગ્રીન એનર્જી, શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપશે. કરાર પર હસ્તાક્ષર કર્યા પછી જારી કરાયેલા એક નિવેદનમાં પીએમ મોદીએ કહ્યું કે, વિશ્વના બે સૌથી મોટા લોકશાહી વેપાર જૂથ (180 અબજ યુરોના દ્વિપક્ષીય વેપાર મૂલ્ય સાથે) ઇતિહાસના સૌથી મોટા મુક્ત વેપાર કરાર પર પહોંચ્યા છે. અમે ઘણા નિર્ણયો લીધા છે, જેનો સીધો લાભ લોકોને થશે. ભારત-ઈયુ વેપાર કરાર પરસ્પર વિકાસ માટે એક બ્લૂપ્રિન્ટ છે. ઈયુમાં રહેતા અંદાજે 8,00,000 ભારતીયને તેનો નોંધપાત્ર લાભ થશે. આ ભાગીદારી દુનિયામાં સૌથી અસરકારક છે. યુરોપના મોટા નેતાઓનો આ ભારત પ્રવાસ કોઈ સામાન્ય ઘટના નથી. ર7મી તારીખે ર7 દેશ સાથે એફટીએ કરાયો છે. તેમણે ઉમેર્યું કે, આ મહત્ત્વપૂર્ણ કરાર 1.4 અબજ ભારતીય તેમજ યુરોપિયન નાગરિકો માટે પુષ્કળ તકો ઊભી કરશે. તે બે મુખ્ય અર્થતંત્રો વચ્ચે સંકલનનું ઉત્તમ ઉદાહરણ છે જે સપ્લાય ચેઇન અને વૈશ્વિક વેપાર બંનેને મજબૂત બનાવે છે. આ કરારને યુકે અને યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસીએશન સાથે થયેલા કરારોના પૂરક ગણાવ્યો અને કાપડ, રત્નો અને ઘરેણા, ચામડું અને ફૂટવેર જેવા ક્ષેત્રોમાં સંકળાયેલા યુવાનો અને ઉદ્યોગપતિઓને અભિનંદન આપ્યા હતા. તેમણે ટ્રમ્પ પર આડકતરો ઈશારો કરતાં કહ્યું કે, દુનિયામાં ટ્રેડ અને ટેક્નોલોજીને હથિયાર બનાવાઈ રહ્યા છે. ઈયુ નેતા એન્ટોનિયો કોસ્ટાએ કહ્યું કે, ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે અને આજના મુક્ત વેપાર કરાર યુરોપ માટે ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. તે લગભગ બે અબજ લોકોનું વિશાળ બજાર બનાવી રહ્યું છે. શાંતિ અને સંવાદ માટે પરિસ્થિતિઓ બનાવવા માટે અમે તમારા (પીએમ મોદી) પર આધાર રાખી શકીએ છીએ અને સાથે મળીને આપણે વૈશ્વિક મુદ્દાઓ પર નેતૃત્વ બતાવવું જોઈએ. - દવાઓથી લઇને કાર સુધી થશે એફટીએની અસર : નવી દિલ્હી, તા. 27 : ભારત અને યુરોપિયન યુનિયન ઇયુએ મુક્ત વેપાર કરાર એફટીએ પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર હેઠળ, બંને પક્ષ નોંધપાત્ર કરઘટાડા અને છૂટ માટે સંમત થયા છે. ઇયુ અનુસાર આ પગલાંથી ભારતીય બજારમાં ઇયુ નિકાસમાં નોંધપાત્ર વધારો થશે. આ સોદો મહત્ત્વપૂર્ણ છે, કારણ કે, લગભગ 20 વર્ષથી પ્રયાસો ચાલી રહ્યા હતા. ઇયુ ભારતના સૌથી મોટા વેપારી ભાગીદારોમાંનો એક છે. ઇયુ અનુસાર, આ કરાર હેઠળ, ભારતમાં નિકાસ થતા 90 ટકાથી વધુ ઇયુ ઉત્પાદનો પરના ટેરિફ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે અથવા નોંધપાત્ર રીતે ઘટાડવામાં આવશે. એવો અંદાજ છે કે, આ સોદો 2032 સુધીમાં ભારતમાં ઇયુ નિકાસ બમણી કરી શકે છે. આ કરારમાં ભારતને આબોહવા પરિવર્તન સામે લડવામાં મદદ કરવાની જોગવાઇઓ પણ સામેલ છે. આ કરારથી વધારાની નોકરીઓનું સર્જન થવાની અપેક્ષા છે. ઇયુએ આગામી બે વર્ષમાં ભારતને 500 મિલિયન યુરો (આશરે રૂા. 5,500 કરોડ)ની સહાયની પણ જાહેરાત કરી છે. આનો હેતુ ભારતને ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવામાં અને ગ્રીન એનર્જી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરવાનો છે.