નવી દિલ્હી, તા. 25 : કાશ્મીરથી
માંડીને હિમાચલ પ્રદેશ સુધી કાતિલ ઠંડી અને બરફવર્ષા થતાં જાણે નવેસરથી હિમયુગ શરૂ
થયો હોય તેવી સ્થિતિએ જનજીવનને થરથરાવી નાખ્યું છે. કાશ્મીરની ભદ્રવાહ ઘાટીમાં લાંબા
સમય પછી મોસમની પહેલી બરફવર્ષા થઈ હતી. હિમાચલમાં માઈનસ સાત ડિગ્રી સેલ્સિયસ ઠારમાં
જનજીવન થીજી ગયું હતું. ભારોભાર બરફવર્ષાના કારણે 1300થી વધુ રસ્તા બંધ થઈ ગયા હતા. બરફના ઢગલા હટાવવા માટે 385 મશીન કામે લગાડાયાં હતાં. કાશ્મીરના
ડોડા જિલ્લામાં એ હદે બરફવર્ષા થઈ હતી કે, રસ્તાઓ પર વાહનો ફસાઈ ગયાં હતાં. શ્રીનગરમાં દાલ સરોવર પર શિકારાઓમાં બરફના
થર જામી ગયા હતા. કાશ્મીરના કોટરંકામાં પોલીસે બચાવ અભિયાન છેડવું પડયું હતું. સંરક્ષણ
મંત્રાલયના જિયોમેટ્રિક્સ રિસર્ચ એસટાબ્લિશમેન્ટ દ્વારા ઉત્તરાખંડમાં બરફવર્ષાના કારણે
241 કલાક માટે હિમસ્ખલન માટે ખાસ
હાઈએલર્ટ જારી કરાયું હતું. દરમ્યાન, દિલ્હીમાં વરસાદ પડતાં હવાની હાલતમાં સુધારો આવ્યો હતો, જો કે, કાતિલ ઠારથી લોકો થરથર્યા હતા. ભારતીય હવામાન
વિભાગએ 25 અને 26 જાન્યુઆરીએ હિમાચલ પ્રદેશ, હરિયાણા અને પંજાબના કેટલાક વિસ્તારોમાં ગાઢ
ધુમ્મસની આગાહી કરી છે. હવામાન વિભાગે રવિવારે તમિલનાડુ અને 26 જાન્યુઆરીએ કેરળમાં વાવાઝોડાની
આગાહી કરી હતી. આગામી ત્રણ દિવસમાં ગુજરાતમાં લઘુતમ તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસનો ધીમે ધીમે
વધારો થવાની આગાહી કરવામાં આવી છે. આઇએમડીએ 25 અને 26 જાન્યુઆરીએ
પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેટલાક ભાગોમાં ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. રવિવારે સવારે
દિલ્હીમાં હળવાથી મધ્યમ ધુમ્મસની આગાહી છે. વરસાદને પગલે રાષ્ટ્રીય રાજધાનીમાં લઘુતમ
તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો. શહેરના મુખ્ય હવામાન મથક, સફદરજંગમાં લઘુતમ તાપમાન 7.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું
જે સામાન્ય કરતાં 0.1 ડિગ્રી વધારે
હતું. આ શુક્રવારના લઘુતમ તાપમાન 13.7 ડિગ્રી સેલ્સિયસથી નોંધપાત્ર ઘટાડો છે જે છેલ્લાં ચાર વર્ષમાં
સૌથી વધુ છે. શનિવારે કાશ્મીરમાં હવામાનમાં સુધારો થતાં શ્રીનગર એરપોર્ટ પર ફ્લાઇટ
સેવાઓ ફરી શરૂ થઈ હતી. ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાનું ગુલમર્ગ જમ્મુ અને કાશ્મીરનું
સૌથી ઠંડુ સ્થળ હતું જ્યાં લઘુતમ તાપમાન માઇનસ 12 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ત્યારબાદ ગાંદરબલ જિલ્લામાં
સોનમર્ગ માઇનસ 10.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, શ્રીનગરમાં લઘુતમ તાપમાન માઇનસ 1.4 ડિગ્રી સેલ્સિયસ હતું.