નવી દિલ્હી, તા. 27 (પીટીઆઇ)
: રાષ્ટ્રીય રાજધાનીમાં મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો થતાં બંને કિંમતી
ધાતુઓ નવી સર્વોચ્ચ ઊંચાઇએ પહોંચી ગઇ હતી, જેનું મુખ્ય કારણ રોકાણકારોની મજબૂત માંગ અને વધતા ભૂરાજકીય અને વેપાર તણાવ
વચ્ચે વૈશ્વિક સ્તરે તેજી હતી. બજારના જાણકારોના મતે, 99.9 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ
7,300 રૂપિયા અથવા 4.6 ટકા વધીને 1,66,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ (બધા કર સહિત)ની સર્વકાલીન
ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. શુક્રવારે પીળી ધાતુ 1,58,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થઇ હતી. ચાંદીના ભાવમાં ભારે ઉછાળો ચાલુ રહ્યો
હતો. બુલિયન બજારમાં સફેદ ધાતુ 40,500 રૂપિયા
અથવા 12.3 ટકા વધીને 3,70,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ (બધા
કર સહિત)ની નવી ટોચે પહોંચી ગઇ હતી. પાછલા બજાર સત્રમાં આ ધાતુનો ભાવ પ્રતિ કિલોગ્રામ
રૂા. 3,29,500 પર સ્થિર થયો હતો. એચડીએફસી
સિકયોરિટીઝના કોમોડિટીના સિનિયર એનાલિસ્ટ સોમિલ ગાંધીએ જણાવ્યું હતું કે, `વધતા વેપાર
અને ભૂરાજકીય તણાવ વચ્ચે મજબૂત સેફ-હેવન માંગને કારણે સ્થાનિક બજારમાં ચાંદીના ભાવ
3,70,000 પ્રતિ કિલોના રેકોર્ડ સ્તરે
પહોંચી ગયા છે.' ફોરેકસ ડોટકોમ મુજબ,
ચાંદીના ભાવમાં તેજીનો દોર લંબાયો હતો, જેમાં આંતરરાષ્ટ્રીય
બજારમાં ભાવ 8.55 ડોલર અથવા
8.24 ટકા વધીને 112.41 ડોલર પ્રતિ ઔંસ થયા હતા.