ભચાઉ, તા. 27 : ભૂકંપની 25મી વરસીએ ભચાઉ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં
મૃતકોની યાદમાં જીવદયા નાતે સેવાનાં કાર્યો થયાં હતાં, મંદિરોમાં પૂજા-અર્ચના કરવામાં આવી હતી,
ધૂન ભજન ગવાયાં હતાં અને સ્વજનોને યાદ કર્યા હતા. ભૂકંપની વરસી નિમિત્તે
ભચાઉ જૈન યુવક મંડળના માર્ગદર્શન હેઠળ ચાલતાં મહાવીર અનુકંપા કેન્દ્ર દ્વારા દાતાઓના
સહારે અઢીથી ત્રણ લાખના ખર્ચે વિવિધ દાન પુણ્ય કરવામાં આવ્યું હતું. સવારે નાસ્તો અને બપોર બાદ 3000 લોકોએ ભોજનનો લાભ લીધો હતો.
આ ઉપરાંત શ્વાનને લાડુ, પક્ષીઓને ચણ
અને પશુઓને લીલો તેમજ સૂકો ચારો, દવાખાનામાં ફળ ફળાદિ,
અને ધાબડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું આયોજન અશોકભાઈ
વોરા, અરાવિંદભાઈ મહેતા, તુષારભાઈ કુબડિયા,
ગૌતમ શાહ, પ્રકાશ શેઠ, તીર્થ
મહેતા, હાર્દિક મહેતા, ચેતન ગાંધી,
જૈન સંઘના ટ્રસ્ટી સતિષભાઈ મહેતા, ધીરૂભાઈ મહેતા,
પ્રવીણભાઈ ગાંધી, બિપિનભાઈ ભાનુશાલી સહિતનાઓએ કર્યું
હતું. આ સેવા માટે 80 દાતાએ 1500 રૂપિયાનું દાન કર્યું હતું.
આ ઉપરાંત ઉપસ્થિત મહેમાનોએ નાનું મોટું દાન આપ્યું હતું. અરિહંત કોમ્પ્લેક્સના પ્રમુખ
ભરતાસિંહ જાડેજા, ભચાઉ વેપારી
મંડળના પ્રમુખ હર્ષદભાઈ ઠક્કર, જિતેન્દ્રભાઈ જોશી, અશોકાસિંહ ઝાલા, વિકાસભાઈ રાજગોર, વિરજીભાઈ દાફડા, ભચાઉ ટેલીફોન વિભાગના નિવૃત્ત અધિકારી
શ્રી વ્યાસ, પાલિકાના પ્રમુખ પેથાભાઇ રાઠોડ, પત્રકાર મનસુખભાઈ ઠક્કર, તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઈ
છાંગા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. બીજીબાજુ વિનાશક
ભૂકંપમાં જીવ ગુમાવનારા લોકોની યાદમાં સેવાકાર્યો કરવામાં આવ્યાં હતાં. પક્ષીને ચણ,
કૂતરાને રોટલા ગાયોને ચારો, ગરીબોને અન્નદાન કરવામાં
આવ્યું હતું. શિવાલય, દેરાસર, મસ્જિદ,
હનુમાન મંદિર, ઠાકર મંદિર, સ્વામિનારાયણ મંદિર, માતાજીનાં મંદિરોમાં પૂજા-અર્ચના
કરવામાં આવી હતી. દીપમાળા, અખંડ ધૂન, ભગવાનને
ભોગ ધરાવવામાં આવ્યો હતો. કબરાઉ મોગલધામ, નવા કટારિયા,
ગરીબદાસ બાપુનું આશ્રમ, શિકરા કાગેશ્વર મંદિર,
નેર પાબુદાદા મંદિર, કડોલ ડોરીધામ, કુંભારડી ભાવેશ્વર મંદિર, જંગી મેકરણ અખાડે, આધોઇ ઈશ્વરિયા મહાદેવ, કંથકોટ કંથડનાથ મંદિર,
તેમજ સ્વામિનારાયણ મંદિરમાં ભાવિકો દર્શન માટે ઊમટી પડયા હતાં. શહેર
અને ગ્રામીણ વિસ્તારમાં પાંજરાપોળ ગૌશાળામાં લોકોએ જીવદયા માટે દાન કર્યું હતું. શહેર
અને ગ્રામ્ય વિસ્તારમાં ધૂન-ભજન ગવાયાં હતાં. 25મી વરસીએ વાતાવરણ ગમગીન થઈ ગયું હતું. ગુમાવેલા
સ્વજનોની યાદમાં સમગ્ર વિસ્તાર શોકમાં ઘરકાવ થયો હતો, ભચાઉમાં નાના-મોટા વેપારીઓએ ધંધા-રોજગાર બંધ
રાખ્યા હતા.