ભુજ, તા. 27 : બેન્કો સપ્તાહમાં પાંચ જ દિવસ
કાર્યરત રહે એવી માંગ સાથે યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન દ્વારા અપાયેલ દેશવ્યાપી
હડતાળના એલાનમાં કચ્છની તમામ સરકારી બેન્કના કર્મચારીઓ જોડાતાં કરોડોના વ્યવહાર અટવાયા
હતા. બાદમાં દ્વિપક્ષીય કરાર સમયે બેન્ક યુનિયન અને ઇન્ડિયન બેન્ક એસો. વચ્ચે થયેલા
કરાર મુજબ બેન્કો સપ્તાહમાં પાંચ દિવસ કામ કરશે,
તેના બદલામાં 40 મિનિટનો કામકાજના સમયમાં વધારો થશે, આ સમજૂતીને ઇન્ડિયન બેન્ક એસો. દ્વારા નાણાં
વિભાગની મંજૂરી માટે મોકલાઈ હતી. કેન્દ્ર સરકારની કચેરીઓ, વીમા
કંપનીઓ, સ્ટોક માર્કેટ સહિતમાં પાંચ દિવસના સપ્તાહનો અમલ થઇ ગયો
છે, પણ બેન્કમાં તેનું અમલીકરણ ન કરાતાં આ હડતાળનું એલાન અપાયું
હતું. ભુજ અને અંજારમાં બેન્ક ઓફ બરોડા પાસે કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી ઉગ્ર દેખાવો
કર્યા હતા. ભુજ-અંજારમાં 200થી વધુ કર્મી
સૂત્રોચ્ચારમાં જોડાયા હતા. નીલેશ મહેતા, રજનીકાંત પરમાર, રાજેશ ચૌહાણ, રવીરાજસિંહ
ઝાલા, યુવરાજસિંહ ઝાલા, હર્ષ કોઠારી,
હમીર મહેશ્વરી, સાગર જોષી, જિગિષા ઠાકર, ભાવેશ બારોટ સહિત જોડાયા હતા. શનિ,
રવિ અને સોમ બાદ સતત ચોથા દિવસે હડતાળના કારણે બેન્કિંગ સેવા ખોરવાયેલી
રહેતાં ખાતાધારકોને પારાવાર હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.