ગાંધીધામ, તા. 27 : રાપરના ખીરઇ નજીક વળાંક પર
ડમ્પર અને કાર ભટકાતાં ગંભીર ઘવાયેલા રઘુવીરસિંહ નોધુભા જાડેજા (ઉ.વ. 32) નામના યુવાનનું મોત થયું હતું.
બીજીબાજુ ભચાઉના છાડવારા નજીક માછીમારી કરવા ગયેલા ખારીરોહરના યુસુફ ઇશાક સોતા (ઉ.વ.
42) પડી જતાં તેમનું મોત થયું હતું.
ખીરઇમાં રહેનાર રઘુવીરસિંહ નામનો યુવાન ગત તા. 24/1ના કાર નંબર જી.જે. 02 બી.પી. 9222 લઇને ગાડીમાં
કામ કરાવવા રાપર ગયો હતો ત્યાં કામ પતાવીને આ યુવાન પરત ઘરે જઇ રહ્યો હતો તેવામાં ખીરઇ
નજીક વળાંક પર સામેથી આવતા ડમ્પર નંબર જી.જે. 36 ટી. 9271એ આ કારને
હડફેટમાં લીધી હતી જેમાં કારચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને પ્રથમ રાપર અને ત્યાંથી
વધુ સારવાર અર્થે રાજકોટ લઇ જવાતાં તેની તબીયત વધુ બગડી હતી. પરત રાપર લઇ અવાતાં ફરજ
પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ડમ્પરના ચાલક સામે મહેન્દ્રસિંહ નોધુભા જાડેજાએ
પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બીજીબાજુ ખારીરોહરના યુસુફ સોતા તથા સલમ નૂરમામદ કોરેજા
અને ફેઝલ કાસમ કોરેજા છાડવારાની સીમમાં મીઠાના કારખાના બાજુ માછીમારી કરવા ગયા હતા.
પગપાળા જઇ રહેલા યુસુફનો પગ લપસતાં તે પડી ગયો હતો. તેને સારવાર અર્થે લઇ જવાતાં ફરજ
પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.