• બુધવાર, 28 જાન્યુઆરી, 2026

`મધર ઓફ ઓલ ડીલ્સ' સાથે આર્થિક ક્રાંતિનો શંખનાદ

ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે 18 વર્ષથી ચાલતી વ્યાપારિક મડાગાંઠનો આખરે સુખદ અંત આવ્યો છે. નવી દિલ્હીમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુરોપના ટોચના નેતાઓએ ઐતિહાસિક હસ્તાક્ષર કર્યા, ત્યારે દુનિયા સમજી ગઈ કે, હવે પવન જોઈને સઢ ફેરવવાનો સમય આવી ગયો છે. 20 ટ્રિલિયન ડોલરનાં વિશાળ બજારનાં દ્વાર ખોલતી આ સમજૂતી ખરા અર્થમાં મધર ઓફ ઓલ ડીલ્સ છે, જે વિશ્વના 25 ટકા જીડીપી અને એક તૃતીયાંશ વ્યાપાર પર પ્રભુત્વ ધરાવે છે. વડાપ્રધાને તેને સહિયારી સમૃદ્ધિની બ્લૂપ્રિન્ટ ગણાવીને સાબિત કર્યું છે કે, ધીરજનાં ફળ મીઠાં હોય છે. વર્તમાન ભૌગોલિક-રાજકીય સ્થિતિ જોતાં, આ સમજૂતી ભારત માટે અંધારામાં આશાનું કિરણ બનીને આવી છે. એક તરફ અમેરિકાએ ભારતીય નિકાસ પર 50 ટકા જેટલો તાતિંગ ટેરિફ લાદ્યો છે અને બીજી તરફ યુરોપના દેશો સાથે પણ તણખા વેર્યા છે, ત્યારે આ કરાર ભારત અને યુરોપિયન યુનિયન બંને માટે ડૂબતાને તણખલાંના સહારા જેવી મૈત્રી છે, જ્યારે વ્હાઇટ હાઉસમાંથી ટ્રેડવોરનાં નગારાં વાગતાં હોય અને નવા-નવા ફતવા બહાર પડતા હોય, ત્યારે જૂના મતભેદો બાજુ પર મૂકીને ભેગા મળીને વહેંચી ખાવું એ જ શાણપણ ગણાય. અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે ભલે આક્ષેપ કર્યો હોય કે, યુરોપ રિફાઇન્ડ ઓઇલ ખરીદીને રશિયા-યુક્રેન યુદ્ધને આડકતરું ફાંડિંગ પૂરું પાડે છે, પરંતુ ભારત અને યુરોપે સ્પષ્ટ કર્યું છે કે, વ્યાપારિક હિતો આગળ આવી કોઈ પણ દલીલ પાણીમાં બેસશે. આ સમજૂતીમાં ભારતે અત્યંત ચતુરાઈથી સાપ પણ મરે અને લાઠી પણ ન તૂટે તેવી વ્યૂહરચના અપનાવી છે. લક્ઝરી કાર પરની ડયૂટી 110 ટકાથી ઘટાડીને 10 ટકા કરવા છતાં, 25 લાખથી ઓછી કિંમતની કારના સ્થાનિક બજારને સુરક્ષિત રાખ્યું છે, એટલે કે, બીએમડબલ્યુ  અને મર્સિડીઝ જેવું જર્મન એન્જિનીયારિંગ હવે ભારતીય રસ્તાઓ પર સોનાંમાં સુગંધ ભળવા જેવું સસ્તું થશે, જ્યારે સ્થાનિક ઉદ્યોગોને આંચ પણ નહીં આવે. બીજી તરફ, યુરોપના 125 અબજ ડોલરનાં કાપડ બજારમાં ભારતને ડયૂટી ફ્રી એન્ટ્રી મળી છે. 2023માં જીએસપી બેનિફિટ્સ છીનવાઈ જવાથી આપણા નિકાસકારોની જે કેડ ભાંગી હતી, તેને હવે નવું બળ મળશે. ભારતીય ટેક્સટાઈલ, ફાર્મા અને આઇ.ટી. ક્ષેત્ર માટે યુરોપનું આખું મેદાન હવે મોકળું બનશે. માત્ર વ્યાપાર જ નહીં, પણ રક્ષણ અને સુરક્ષા ક્ષેત્રે સહ-ઉત્પાદન માટે જે ભાગીદારી થઈ છે, તે પાડોશીઓ માટે પેટમાં તેલ રેડાય જેવી ઘટના છે. યુરોપે ભારતને ગ્રીન એનર્જી માટે 50 કરોડ યુરોની સહાયનું વચન આપીને સંબંધો વધુ મીઠા બનાવ્યા છે. સર્વિસ સેક્ટરમાં પણ ભારતીય પ્રોફેશનલ્સ માટે 144 સબ-સેક્ટર્સ ખોલીને અને વિદ્યાર્થીઓ માટે પોસ્ટ-સ્ટડી વર્ક વિઝાની જોગવાઈ કરીને આપણા યુવાનો માટે નવી તકો સર્જી છે. જો કે, યુરોપના કાર્બન ટેક્સ અને ડેટાના કડક નિયમો આપણા નાના ઉદ્યોગો માટે લોઢાના ચણા સાબિત થઈ શકે છે, જેની તૈયારી આપણે જાગ્યા ત્યારથી સવાર માનીને કરવી પડશે. અમેરિકાની અનિશ્ચિતતા અને ટ્રમ્પના ટેરિફ વોર વચ્ચે ભારત-ઈયુ વચ્ચે મુક્ત વેપાર કરાર એ આર્થિક જગતમાં ભારતનો ઘોડો દસે દિશામાં દોડશે તેનો મજબૂત સંકેત છે. 2027થી જ્યારે આનો પૂર્ણ અમલ થશે, ત્યારે ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે 2047ના વિકસિત ભારતના લક્ષ્ય તરફ હરણફાળ ભરી ચૂક્યું હશે. આ સમજૂતીએ સાબિત કરી દીધું છે કે, વૈશ્વિક બજારમાં હવે ભારતની ઉપેક્ષા કરવી મુશ્કેલ જ નહીં, અસંભવ છે અને આ ભાગીદારીમાં બંને પક્ષની પાંચેય આંગળી ઘીમાં રહેશે. 

Panchang

dd