અજરખપુર, તા. 27 : અહીં છેલ્લા 5 દિવસોથી ચાલી રહેલા લોક સાંસ્કૃતિક મહોત્સવ-વિન્ટર
ફેસ્ટિવલમાં ભારતના ઉત્તર-પૂર્વના વિવિધ રાજ્યો,
કચ્છ અને ગુજરાતના કલાકારોના
લોકગીતો, લોક સંગીત અને લોકનૃત્યો સાથે પૂર્ણ થયો હતો. વિવિધતામાં
એકતાની સંસ્કૃતિના દર્શન કરાવવાના મુખ્ય ઉદ્દેશ સાથે યોજાયેલા વિન્ટર ફેસ્ટિવલનું સંસ્કૃતિના
ગરિમા સાથે સમાપન થયું હતું. કચ્છ અને ભારતના
વિવિધ રાજ્યોમાંથી આવેલા કલાકારો અને કારીગરોએ ડાન્સ, મ્યૂઝિક, ક્રાફટ અને ફૂડનો અનેરો સમન્વય રચીને કલાપ્રેમી લોકોને અનહદ આનંદની અનુભૂતિ
કરાવી હતી. અંતિમ દિવસે સાંજે ગાર્ડન સ્ટેજ પર શબનમ વિરમાણીએ કબીર, ગંગાસતી-પાનબાઇ, મીરાંબાઇ વગેરેના ભજનોથી સૌ કોઇ ઉપસ્થિત
કલાપ્રેમીઓને મંત્રમુગ્ધ કર્યા હતા. ત્યારબાદ મધ્યપ્રદેશના લોકરાગ સમિતિ ડાન્સ ગ્રુપ,
ઝંકાર ડાન્સ એકેડેમી અને ધ કચ્છીસ ગ્રુપ, હિતેન
ડાન્સ એકેડેમી અને અપ્સરા ડાન્સ એકેડમી તેમજ આ બધા જ ગ્રુપોએ સાથે મળીને ફ્યુઝન ડાન્સ
રજૂ કરી વિવિધ નૃત્યોની જમાવટ કરી હતી. આજના અંતિમ દિવસે લોકગાયક ઓસમાણ મીર અને આમિર
મીરની પ્રસ્તુતિ કરી હતી. આયોજનમાં પ્લેટીનમ દાતા તરીકે એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ
લિમિટેડ, ગોલ્ડ ડોનર તરીકે ટ્રાન્સપેક ક્રિએટીવ કેમેસ્ટ્રી,
આરતી ફાઉન્ડેશન, એકસેલ ગ્રુપ, સિલ્વર ડોનર તરીકે યુ.પી.એલ., ખીમજી રામદાસ, એસ.વી.સી.ટી. ગ્રુપ, અંશુલ સ્પેશિયાલીટી મોલેક્યુલ,
બ્રોન્ઝ ડોનર તરીકે લીલાધર પાસુ, સુમિટોમો કેમિકલ્સ
ઇન્ડિયા લિમિટેડ, પંજાબ કેમિકલ્સ એન્ડ ક્રોપ પ્રોટેકશન લિમિટેડ,પબ્લિસિટી અને વિઝ્યુઅલ પાર્ટનર તરીકે એન. કે. પબ્લિસિટી ક્રીન, કચ્છ ફૂડ પાર્ટનર તરીકે આર્થિક સહયોગ રહ્યો હતો. કાર્યક્રમમાં કુંવર ઇન્દ્રજિતસિંહ
જાડેજા, કૃતાર્થસિંહ જાડેજા, ભૂતપૂર્વ સાંસદ
પુષ્પદાન ગઢવી, સ્મૃતિવનના ડાયરેક્ટર, મનોજ
પાંડે વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. એગ્રોસેલના ચેરમેન દિપેશભાઇ શ્રોફ તથા શ્રુજન-એલએલડીસીના
મેનેજિંગ ટ્રસ્ટી અમીબહેન શ્રોફ દ્વારા કલાકારોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શ્રુજન
ક્રિએશન્સ, એલએલડીસી ક્રાફટ મ્યૂઝિયમ, એગ્રોસેલ,
વીઆરટીઆઇ-વીઆરડીઆઇ વગેરેના કર્મચારીઓએ સહયોગ આપ્યો હતો. કાર્યક્રમનું
સંચાલન કપીલ ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું. વિન્ટર ફેસ્ટિવલનું સમગ્ર આયોજન
એલએલડીસી ક્રાફટ મ્યૂઝિયમના પી.આર., આઇ.ટી., ઇવેન્ટ્સ અને ગેલેરી વડા મહેશભાઇ ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું.