નવી દિલ્હી તા. 27 : આવતીકાલથી શરૂ થઈ રહેલું સંસદનું બજેટ સત્ર
પણ તોફાની બનવાની સંભાવના છે. કોંગ્રેસ અને
કેટલાક અન્ય વિપક્ષી પક્ષોએ મંગળવારે કહ્યું કે,
મનરેગા, મોદી સરકારની વિદેશ નીતિ, યુએસ ટેરિફ, ડોલર સામે રૂપિયાનો ઘટાડો, વાયુ પ્રદૂષણ અને જાહેર હિતના અન્ય ઘણા મુદ્દાઓ ઉઠાવવામાં આવશે. બજેટ સત્ર આવતીકાલથી બીજી એપ્રિલ સુધી ચાલશે જેમાં
પહેલો તબક્કો 13 ફેબ્રુઆરી
સુધી અને બીજો તબક્કો નવમી માર્ચથી બીજી એપ્રિલ સુધીનો રહેશે. તાજેતરની પરંપરાઓ તોડીને
નાણામંત્રી નિર્મલા સીતારામન પહેલી ફેબ્રુઆરી રવિવારે કેન્દ્રીય બજેટ રજૂ કરશે. એ અગાઉ
30મી જાન્યુઆરીએ આર્થિક સર્વેક્ષણ રજૂ થશે.
વિપક્ષ એસઆઈઆર પર વધુ ચર્ચા ઇચ્છે છે. સરકારે આજે બોલાવેલી સર્વપક્ષીય બેઠકમાં બજેટ
સત્રની ચર્ચા કરવામાં આવી હતી. જો કે, કોંગ્રેસે વિરોધ કર્યો હતો કે, સરકારે કોઈ કાયદાકીય એજન્ડા
રજૂ કર્યો નથી. સરકાર કહે છે કે, કાર્યસૂચિ પછીથી જાહેર કરવામાં આવશે કારણ કે સત્રનો પહેલો ભાગ રાષ્ટ્રપતિના
અભિભાષણ અને કેન્દ્રીય બજેટ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા પર કેન્દ્રિત હશે. રાજ્યસભામાં
કોંગ્રેસના ઉપનેતા પ્રમોદ તિવારીએ આરોપ લગાવ્યો કે, સરકાર બંધારણીય
અધિકારો રદ કરી રહી છે અને બંધારણીય સંસ્થાઓને નબળી બનાવી રહી છે. વિપક્ષ વિદેશનીતિનો
મુદ્દો ઉઠાવશે.