• સોમવાર, 08 ડિસેમ્બર, 2025

બંગાળમાં ઘેરાયા મમતા બેનરજી

નવી દિલ્હી, તા. 7 : એસઆઈઆર સહિતના મુદ્દે કેન્દ્ર સરકાર સામે મોરચો માંડનારા તૃણમૂલ કોંગ્રેસના નેતા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી  મમતા બેનરજી ઘરઆંગણે ઘેરાઈ રહ્યા હોવાના અણસાર મળી રહ્યા છે. એક તરફ મમતાના વિરોધને અવગણીને મુર્શિદાબાદ જિલ્લામાં બાબરી મસ્જિદનો શિલાન્યાસ કરનારા તૃણમૂલ કોંગ્રેસના સસ્પેન્ડ ધારાસભ્ય હુમાયુ કબીરે મમતાને ખુલ્લો પડકાર ફેંકીને નવો મોરચો ખોલ્યો હતો, તો બીજી તરફ કોલકાતામાં પાંચ લાખ લોકોએ સમૂહ ગીતા પાઠ કર્યો હતો. હુમાયુ કબીરે તૃણમૂલની મુસ્લિમ વોટબેન્ક છીનવી લેવાની ઘોષણા કરતાં મમતાને `િપક્ચર હજુ બાકી છે' એવી ચેતવણી આપતાં આગામી દિવસોમાં સ્થાનિક રાજકારણમાં નવાજૂની થવાના એંધાણ મળી રહ્યાં છે. એક તરફ ભાજપ દ્વારા વિધાનસભા ચૂંટણી પ્રચારની વહેલી તૈયારીરૂપે સભાઓનું આયોજન ગોઠવાઈ રહ્યું છે, તેવામાં હુમાયુ કબીર સહિતના ઘટનાક્રમો મમતા બેનરજી માટે નવી મુશ્કેલી સર્જી શકે તેમ  હોવાનું રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે. દરમ્યાન કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે રવિવારે બપોરે લાખો લોકોએ એકસાથે ગીતાનો પાઠ કર્યો હતો. સનાતન સંસ્કૃતિ સંસદ દ્વારા આ સમૂહ ગીતા પાઠ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો હેતુ સનાતન ધર્મની ભાવના અને ગીતાના સાર્વત્રિક સંદેશાઓને સામાન્ય લોકો સુધી પહોંચાડવાનો હતો. મહામંડલેશ્વર સ્વામી જ્ઞાનાનંદ મહારાજે મંચ પરથી દાવો કર્યો કે સમૂહ ગીતા પાઠમાં મોટી સંખ્યામાં સંતો અને ઋષિઓ સહિત પાંચ લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો. ગીતાના અધ્યાય 1, 9 અને 18ના પાઠ કરવામાં આવ્યા હતા. ગીતાના પાઠ માટે સમગ્ર બ્રિગેડ ગ્રાઉન્ડ ભગવા ધ્વજથી શણગારવામાં આવ્યું હતું. મહામંડલેશ્વર સ્વામી જ્ઞાનાનંદજી મહારાજે કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી. પદ્મભૂષણ સાધ્વી ઋતંભરા અને બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા.

Panchang

dd