નવી દિલ્હી, તા.25 : પાકિસ્તાને
શાંતિના અંચળા હેઠળ અફઘાનિસ્તાન સાથે ફરી એક વખત છેતરપિંડી કરી રાત્રિના 12 વાગ્યે અચાનક જ હુમલો કરતાં ઓછાંમાં ઓછાં 10 બાળકનાં મૃત્યુ થતાં બંને દેશ
વચ્ચે ફરી તંગદિલી તીવ્ર બની છે. સમસમી ઊઠેલા અફઘાનિસ્તાન તાલિબાને પાકિસ્તાન સાથે
બદલાના સોગંદ લીધા હતા. તાલિબાનના પ્રવક્તા જબીઉલ્લાહ મુજાહિદે કહ્યું હતું કે યોગ્ય
સમયે પાકિસ્તાનને જડબાંતોડ જવાબ આપશું. અફઘાનિસ્તાનના ઈસ્લામિક અમીરાતના પ્રવક્તા મુજાહિદે
કહ્યું કે ગઈ મધ્યરાત્રિના 12 વાગ્યા આસપાસ
અચાનક જ પાકિસ્તાનની સેનાએ ખોસ્તના ગુરબુજ જિલ્લાના મુગુલગઈ વિસ્તારમાં એક નાગરિકના
ઘરને નિશાન બનાવીને ઉડાવી દીધું હતું. આ હુમલાથી પાંચ બાળક અને ચાર બાળકી સહિત નવ બાળકોનાં
મોત થયાં હતાં. આ સિવાય કુનાર અને પત્તિકામાં પણ હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં
ઓછામાં ઓછા 4 નાગરિક મોતને ભેટયા હતા. પાકિસ્તાનમાં ઈસ્લામિક
અમીરાત ઓફ અફઘાનિસ્તાનના પૂર્વ રાજદૂત અબ્દુલ સલામ જઈફે આ હુમલાઓને કાયરતાપૂર્ણ લેખાવ્યા
હતા. તેમણે કહ્યું કે આ પ્રકારની હરકત એ દર્શાવે છે કે ન તો પાકિસ્તાનને શાંતિ જાળવવાની
ઈચ્છા છે કે ન તો એવી તેની ક્ષમતા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ પાકિસ્તાને રાતના
અંધારાંમાં અચાનક હુમલા કરીને પોત પ્રકાશ્યુ હતું. બે દેશ વચ્ચે તંગદિલી હળવી કરવાના
હેતુથી શાંતિ સ્થાપવાની ત્રણ વાટાઘાટ પાકિસ્તાનના અક્કડ વલણને કારણે નિષ્ફળ રહી છે.