ભુજ, તા. 25 : તાલુકાના ભારાપર ગામની જમીન
પચાવી પાડવાના ઈરાદે ખોટા સોગંદનામાના ખરા તરીકે ઉપયોગની ફરિયાદ બાદ આ કામના ઝડપાયેલા
આરોપી લાલજી નારણ હીરાણીની પોલીસે અટક કરી કોર્ટમાં રજૂ કરતાં તેના પાંચ દિવસના રિમાન્ડ
મંજૂર થયા છે. આ કેસની ટૂંક વિગતો મુજબ આરોપી લાલજીએ ભારાપર સીમ સર્વે નં. 8/2 તથા 10/2વાળી જમીન પચાવી પાડવાના ઈરાદે
સંયુક્ત માલિકીની જમીનમાંથી ફરિયાદી વાલબાઈ કાનજી વરસાણી (પિતાનું નામ નાથા ગોવિંદ
કણબી)નો તથા અન્યોનો હક્ક પોતાની તરફેણમાં જતા કરવા અંગે ખોટા સોગંદનામા બનાવી તેના
ખરા તરીકે ઉપયોગ કરી ઈ-ધરા કચેરી-ભુજ ખાતે નોંધ પડાવ્યાની તા. 18/9/25ના બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ
નોંધાવી હતી. આ કેસના આરોપી લાલજીની ગઈકાલે પોલીસે અટક કરી 10 દિનના રિમાન્ડ મંજૂર કરવા સાથે
કોર્ટમાં રજૂ કરતાં બીજા અધિક ચીફ જ્યૂ. મેજિસ્ટ્રેટ કે.એ. ડાભીએ પાંચ દિવસના રિમાન્ડ
મંજૂર કર્યા છે. સરકાર તરફે સરકારી વકીલ આર.આર. પ્રજાપતિએ હાજર રહી દલીલો કરી હતી.