• ગુરુવાર, 27 નવેમ્બર, 2025

યાદવાસ્થળી શરૂ?

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં અભૂતપૂર્વ બહુમતી મેળવ્યા પછી જનતા દળ અને ભાજપમાં વિજયોત્સવ છે અને નવી સરકાર સત્તાનસીન થઈ ચૂકી છે ત્યારે તેજસ્વી - લાલુપ્રસાદના પરિવારમાં પરાજય પછી યાદવાસ્થળી શરૂ થઈ છે. રાહુલ ગાંધીની કોંગ્રેસ અને ઇન્ડિ મોરચામાં માતમ છવાયો છે. મોરચાના ભાગીદાર પક્ષે રાહુલ ગાંધીની નેતાગીરી અને રણનીતિની ટીકા જાહેરમાં શરૂ થઈ છે. ઝારખંડ મુક્તિ મોરચાના નેતા કહે છે - બિહારમાં જનાદેશ નહીં જ્ઞાનાદેશ મળ્યો છે! તામિલનાડુના - ડીએમકે મુખ્યપ્રધાન એમકે સ્ટાલીને કોંગ્રેસની નિષ્ફળતા માટે નેતાગીરીની ટીકા કરી છે. મમતાદીદી પણ કોંગ્રેસ સાથે ભાગીદારી સામે આંગળી ચીંધે છે અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસ નેતાઓ મુંબઈ અને મહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણી અલગ રહીને લડવા માગે છે. કારણ કે, મહારાષ્ટ્ર નવનિર્માણ સાથે બેસવા - કે ઊભા રહેવા તૈયાર નથી. વાસ્તવમાં મહારાષ્ટ્રમાં `મોટા ભાઈ'ને સ્વીકારવા કોઈ તૈયાર નથી. રાહુલ ગાંધીના એટમ બોમ્બ અને હાઇડ્રોજન બોમ્બમાં વિશ્વાસ નથી. વોટચોરીના મંત્ર જાપ કરવા કોઈ તૈયાર નથી! ખરી યાદવાસ્થળી તો લાલુ પરિવારમાં છે. એક ભાઈ - તેજપ્રતાપ તો ઘરબહાર છે. અલગ ચૂંટણી લડયા અને હાર્યા છે. સાત બહેનોમાં બીજા નંબરની રોહિણી આચાર્ય સાથે બે બહેનોની બગાવતથી પરિવારને મોટો ફટકો પડયો છે. ત્રણ વર્ષ પૂર્વે પિતા - પરિવારના ભીષ્મપિતામહ હતા હવે ધૃતરાષ્ટ્ર બન્યા છે ! લાલુજીના સ્વાસ્થ્ય માટે પુત્રી રોહિણીએ કિડની આપી હતી. હવે એમની પરિવારમાંથી હકાલપટ્ટી થઈ છે એટલું જ નહીં - ચંપલથી માર પડયો છે - એવો એમનો આક્ષેપ છે. રોહિણીનો આક્ષેપ છે કે, રાજ્યસભામાં રાષ્ટ્રીય જનતા દળના સભ્ય સંજય યાદવ અને રમીઝ નેમત ખાન ઉપર તેજસ્વીએ ભરોસો રાખીને પરિવારમાં ફૂટ પાડી છે. તેજસ્વીની બિહાર અધિકાર યાત્રા માટે વિશેષ બનાવાયેલા `રથ'માં સંજય યાદવ ચડી બેઠા હતા અને યાદવ પરિવારને હાંસિયામાં ધકેલી દીધા હતા. રોહિણીએ લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરી અને હાર્યાં પછી વિધાનસભાની ઉમેદવારી - ઉપરોક્ત બે `સલાહકારો'નાં કારણે નકારવામાં આવી. એટલું જ નહીં રોહિણીને ઘરમાંથી કાઢી મૂકવા જણાવ્યું. હવે રોહિણી એમનો આભાર માને છે !  

Panchang

dd