નવી દિલ્હી તા.રપ : આફ્રિકી દેશ ઇથોપિયામાં હજારો વર્ષ બાદ થયેલા
જ્વાળામુખી વિસ્ફોટની અસર હજારો કિલોમીટર દૂર દિલ્હી સુધી અનુભવાઈ છે. નિષ્ણાતો કહે
છે કે ઇથોપિયાથી આવેલા રાખના વાદળો ગુજરાત થઈને ભારતમાં પ્રવેશ્યા હતા અને રાજસ્થાન, દિલ્હી, હરિયાણા અને પંજાબ
થઈને આગળ વધ્યાં હતાં. મોડી સાંજે આ વાદળ ભારત પરથી પસાર થઈ ચીન પહોંચ્યાં હતાં. વૈજ્ઞાનિકોએ
આગાહી કરી હતી કે પહેલાંથી જ પ્રદૂષણથી પીડાતી દિલ્હી પર તેની અસર વધુ ખતરનાક હશે પરંતુ
તેની અસર કેટલી હદ સુધી હશે તે જાણી શકાયું નથી. આશરે 12000 વર્ષ પછી બનેલી આ ઘટનાએ ભૂસ્તરશાસ્ત્રીઓને ચોંકાવ્યા છે. જવાળામુખીમાં
વિસ્ફોટ બાદ તેમાંથી નીકળતી રાખ 15 કિલોમીટરની
ઊંચાઈએ આકાશમાં તરતી રહી અને વાદળો સાથે ભળી અનેક દેશો સુધી પહોંચી છે. ભારતીય ઉડ્ડયન
મંત્રાલયે આ સંદર્ભમાં એડવાઈઝરી જારી કરી એરલાઇન્સોને જ્વાળામુખી વિસ્ફોટ અને તેના
અસરગ્રસ્ત વિસ્તારોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. એર ઇન્ડિયા, ઇન્ડિગો અને સ્પાઇસજેટ જેવી ભારતીય એરલાઇન્સો
રાખના વાદળોથી પ્રભાવિત થઈ હતી અને કેટલીક ફ્લાઇટ્સ રદ કરી હતી. એર ઇન્ડિયાનું કહેવું
છે કે હેલી ગુબ્બી જ્વાળામુખી ફાટવાના રૂટ પર 11 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.
નેવાર્કથી દિલ્હી, ન્યૂ યોર્કથી
દિલ્હી, દુબઈથી હૈદરાબાદ અને દોહાથી દિલ્હી સહિતની ફ્લાઇટ્સ રદ
કરવામાં આવી છે. ઇન્ડિગોએ કહ્યું કે તે મુસાફરો માટે સુખદ મુસાફરીની રાહ જુએ છે.