નખત્રાણા, તા. 25 : નખત્રાણા તાલુકા પંચાયતની સામાન્ય
સભામાં હિસાબી વર્ષ 2025-26નું
સુધારેલ 2026-27ના અંદાજપત્રના અન્વેષણ, તાલુકા ગ્રામ્ય વિસ્તારોના અરજીપત્રોનું વાંચન,
ગામોમાં ગૌચર જમીનની માપણી, ગૌચર જમીનની નીતિ મુજબ
પશુદીઠ 40 એકર નીમ કરવા સહિતના પ્રશ્નો
ઊઠયા હતા. તા.પં. પ્રમુખ ભાવનાબેન પટેલના અધ્યક્ષસ્થાને વિકાસ અધિકારી દીક્ષિત ઠક્કર
તથા કારોબારી ચેરમેન ઉત્પલસિંહ જાડેજા, સા. ન્યાય સમિતિના ચેરમેન લીલાબેન મહેશ્વરી ઉપસ્થિત રહ્યા હતા. વહીવટી વર્ષ
2026-27ના રૂા. 124.24 કરોડના અંદાજપત્રમાં શિક્ષણ, આરોગ્ય, ખેતીવાડી,
પશુપાલન, સમાજ કલ્યાણ, કુદરતી
સંકટ સમયે સ્વભંડોળની જોગવાઇ રાખવામાં આવી હતી. 2026-27માં બંધક સીલક સાથે 99 કરોડ 53 લાખ 65 હજાર ખર્ચની જોગવાઇ સાથે 25 કરોડની પુરાંત દર્શાવતાં બજેટને
સર્વસંમતિથી પસાર કરી બહાલી આપવામાં આવી હતી. વિસ્તરણ અધિકારી વર્ષાબેન જાનીએ સ્વાગત
પ્રવચન કર્યું હતું. તા.પં. વર્ષ 2024-25ના સ્ટેમ્પ ડયૂટીના કામોનું આયોજન, નવા બજેટને જિલ્લા પંચાયત ભુજને મોકલવાના ઠરાવને
બહાલી મોકલવામાં આવી હતી. તાલુકાના દરેક ગામમાં ગૌચર જમીનની માપણી તાકીદે કરવા,
માપણી મુજબ હદ નિશાન નક્કી કરી ફેન્સિંગ કરવા, 100 પશુદીઠ 40 એકર ગૌચર જમીન નીમ કરવાની જોગવાઇ
કરવામાં આવેલ છે, તે મુજબ તાલુકાના
દરેક ગામમાં પશુ ગણતરી કરી ખૂટતી ગૌચર જમીન નીમ કરવા વિપક્ષી નેતા કેતનભાઇ પાંચાણીએ
રજૂઆત કરી હતી. અધ્યક્ષસ્થાનેથી ભાવનાબેન પટેલે નેત્રા ગ્રામ પંચાયતનું જેટિંગ મશીન
નેત્રા ગ્રા.પં.ને સંચાલન વહીવટ માટે માત્ર આપવામાં આવેલ તે નેત્રા ગ્રા.પં.એ પરત કરેલ
જેટિંગ મશીન નિરોણા ગ્રા.પં.ને સુપરત કરવા ઠરાવ કરાયો હતો. આણંદપર (યક્ષ) જૂથ ગ્રા.પં.માંથી
પલીવાડ ગામ નવીન ગ્રામ પંચાયત માગણીને બહાલી આપવામાં આવી હતી. તા.પં. રેકર્ડરૂમ રિપેરિંગ-એસ.આઇ.આર.
કામગીરીની સમજ આપી હતી. સભામાં પૂર્વ પ્રમુખ જયસુખભાઇ પટેલ, તા.પં.
સદસ્યો ગોરધનભાઇ રૂડાણી, કેતનભાઇ પાંચાણી, સંધ્યાબેન પલણ (પૂર્વ ઉપપ્રમુખ) રમીલાબેન રબારી, શારદાબેન
આહીર, હોતખાન મુતવા, સ્વાતિબેન ગોસ્વામી,
હંસાબેન જાડેજા, મંજુલાબેન દત્તા, ઓસમાણ સુમરા, મહેન્દ્રસિંહ સોઢા, દિનેશભાઇ નાથાણી, હરિભાઇ પલણ, મદદનીશ
તા.વિ. અધિકારી જયવીરસિંહ જાડેજા, રમેશભાઇ ગરવા, ડી. ડી. સાગર, ભરતભાઇ ડોડિયા ઉપસ્થિત રહ્યા હતા.