દિલ્હીમાં શાળાઓ બંધ કરી દેવાનો આદેશ જાહેર થયો
છે. શિયાળુ રમતોત્સવ પણ સ્થગિત કરી દેવાયા છે. આવા આકરા નિર્ણયો પાછળનું કારણ વધારે
પડતી ઠંડી, અત્યંત નીચે ગયેલું તાપમાન
નથી, પરંતુ સતત વધતું જતું પ્રદૂષણ છે. સરકાર, વિવિધ એજન્સીઓ, સંસ્થાઓના સતત પ્રયાસો છતાં દિલ્હીમાં
પ્રદૂષણની સમસ્યા રાજાની કુંવરી જેમ રાતે ન વધે તેટલી દિવસે, દિવસે ન વધે તેટલી રાત્રે વિસ્તરી રહી છે. દિલ્હી, નોઈડા,
હરિયાણામાં આ પ્રશ્ન વર્ષોથી છે. આમ આદમી પાર્ટીની સરકારે ઓડ-ઈવનનો નિયમ
એટલે કે અમુક મોટરકાર એક દિવસ અને અન્ય બીજા દિવસે શહેરમાં ફેરવવી તેવો જરા અવ્યવહારુ
નિયમ પણ અમલી બનાવ્યો હતો, પરંતુ અસર ન થઈ. શિયાળાની શરૂઆતમાં
ધુમ્મસ કે ઝાકળ, તેને લીધે હાઈ-વે ઉપર થતા અકસ્માત એ બધું માધ્યમો
દ્વારા આપણા સુધી પહોંચે છે, પરંતુ ચેતી જવાની જરૂર એટલા માટે
છે કે પ્રદૂષણનો આ અસુર ગુજરાત ઉપર પણ ઝળૂંબી રહ્યો છે. ગુજરાતના ચાર મહાનગર અમદાવાદ,
સુરત, વડોદરા અને રાજકોટમાં પ્રદૂષણનું સ્તર વધ્યું
છે. એર ક્વોલિટી ઈન્ડેક્સ વધ્યો છે. હમણા તો આ આંક 180ને પાર થઈ ગયો છે. સાંજે જ્યારે વાહનોનું પ્રમાણ રસ્તા
ઉપર વધે ત્યારે તે 200ને અતિક્રમી જાય છે. રાજકોટ અને
અમદાવાદમાં પ્રદૂષણની માત્રા છેલ્લાં પાંચ વર્ષમાં સૌથી વધારે છે, રેકોર્ડ તૂટયો શબ્દ અહીં પ્રયોજવો યોગ્ય નથી. સુરત-વડોદરામાં આ પ્રમાણ થોડું
ઓછું છે. જો કે, સુરતમાં પણ 170ની આસપાસ તો આ પ્રમાણ રહે જ છે. શ્વાસ-દમના દર્દીઓ
માટે સ્થિતિ વધારે ચિંતાજનક સાબિત થઈ શકે તેમ છે. ખાસ તો વટવા, નાંદેસરી અને વાપીમાં વાયુની ગુણવત્તા સૌથી વધારે ખરાબ થઈ છે, તેમાં પણ વાપીમાં તો છેલ્લા 30 દિવસનું
જોખમી વાયુ પ્રદુષણ નોંધાયું છે અને ઔદ્યોગિક ગતિવિધિ માટે જાણીતા વટવામાં પણ છેલ્લા
10 દિવસમાં હવાની ગુણવત્તા ખરાબ શ્રેણીમાં મુકાઈ છે. ગુજરાતમાં
નદીઓનું પ્રદૂષણ પણ ચિંતા જગાવે તેવું છે, ખાસ કરીને સાબરમતી, મહિસાગર, નર્મદા અને વિશ્વામિત્રી સહિતની ઘણી નદીઓમાં
પ્રદૂષણ વધે છે. જો કે, સરકારે આ માટે 23,000 કરોડની ખેડા પરિયોજના પણ તૈયાર કરી છે, તો ગુજરાત પ્રદૂષણ બોર્ડે પણ એક સમિતિ નીમી ઊંડું ચિંતન શરૂ કર્યું છે. કોરોનાનો
સમય યાદ આવે તે રીતે તબીબો અત્યારે લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી રહ્યા છે. ફેફસાંના
દર્દીઓએ પણ તકેદારી રાખવાની સલાહ અપાય છે. સમજવાનું એ છે કે જે રીતે પ્રદૂષણ વધ્યું
છે, વધી રહ્યું છે તે જોતાં ધ્યાન તો સ્વસ્થ અને યુવાન લોકોએ
પણ રાખવાનું છે. વૃક્ષોનું મહત્તમ પ્રમાણમાં વાવેતર અને તેની જાળવણી તે હાથવગો ઉપાય
છે. તે ઉપરાંત તજજ્ઞોની સલાહ અનુસાર વર્તવું, વાહન કે પ્રદૂષણ
ઉત્પન્ન કરે તેવી અન્ય બાબતોનો ઉપયોગ શક્ય તેટલો નિયંત્રિત કરીને સ્થિતિ સુધારવા પ્રયાસ
કરવો રહ્યો. પ્રદૂષણ ઓછું થાય તે હવે અગ્રતા હોવા કરતાં તે વધે નહીં તે અગત્યનું છે.