• ગુરુવાર, 27 નવેમ્બર, 2025

ઘેટાં-બકરાંમાં ખરવા-મોવાનો રોગ ફેલાતાં માલધારીઓ ચિંતિત

સુમરાપોર, તા. 25 : ભુજ તાલુકાના સરહદી પચ્છમ વિસ્તારના માલધારી મુલકના ઉત્તરાદા ગામડાંઓમાં ઝીણા પશુધન ઘેટાં-બકરાંમાં ખરવા -મોવાની બીમારીએ માથું ઊંચકતાં માલધારીઓ ચિંતિત બન્યા છે. કુરન - સુમરાપોરના માલધારીઓ કાળા ડુંગરની ઉત્તર તળેટીએ પડાવ નાખીને બેઠા છે જેમાં ઝીણા પશુઓ ઘેટાં-બકરાંમાં આ ખરવા-મોવાની બીમારીએ આવા પશુઓને મરણને શરણ બનાવી પથારીવશ બનાવી દીધા છે. સુમરાપોર ગામના કુરનના સીમાડામાં  પડાવો નાખીને બેઠેલા સુમરા ઈદ્રીસ સાધકના 6થી 7 ઘેટાંનાં મરણ થયાં છે. અન્ય માલધારીઓ કાળા ડુંગરના વનવગડામાં હોવાથી ત્યાં પણ આ બીમારીના અહેવાલ મળી રહ્યા છે. હાલ ખાલી ઝીણાં પશુઓને આ બીમારી લપેટમાં લીધી છે. જો સમયસર ખરવા-મોવાના રોગને નાથવામાં નહીં આવે તો મોટા પશુધન ગાય -ભેંસને ઝપેટમાં લેશે તો પશુપાલકોને મોટું નુકસાન થવાની સંભાવનાની સાથે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. ખરવા-મોવાની બીમારીમાં ઝીણાં પશુઓના મોઢામાં પાણીની લાળ ટપકે છે. પશુઓ ખાવા-પીવાનું બંધ કરી નાખે છે અને થોડાક દિવસોમાં મરણને શરણ થાય છે. હાલે ચરિયાણની કોઈ કમી નથી. ઘાસ-પાણીના ભંડારો છે પણ સારા વખતમાં આ બીમારીએ માથું ઊંચકતાં આ વર્ગ મુશ્કેલીમાં મુકાયો છે. પશુપાલન તંત્ર બીમાર પશુઓની સારવાર કરી અન્ય વિસ્તારમાં આ રોગચાળો ન ફેલાય તે માટે આવશ્યક પગલાં ભરે તેવી માંગ થઈ રહી છે. 

Panchang

dd