વિથોણ, તા. 25 : ભુજ-નખત્રાણા હાઇવે પર પડેલા
ભૂવા મોટો અકસ્માત સર્જે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. સતત ધબકતો રહેતો પશ્ચિમ
કચ્છને જોડતો મુખ્ય માર્ગ ભૂવાને કારણે બિસમાર બન્યો છે. નખત્રાણાથી દેશલપર સુધીના
25 કિ.મી. માર્ગમાં ઠેકઠેકાણે
મોટા ખાડા પડી ગયા છે. આ ખાડાઓ અકસ્માત નોતરે છે.
પશ્ચિમ કચ્છના મુખ્ય માર્ગ ઉપર પૌરાણિક પુંઅરેશ્વર મંદિર, ખેતાબાપા મંદિર, ધીણોધર
થાન, છારીઢંઢ, હાજીપીર, માતાના મઢ, કમલેશ્વર મહાદેવ, સિયોતની
ગુફા, લખપતનો કિલ્લો, નારાયણ સરોવર,
કોટેશ્વર મહાદેવ મંદિર ઉપરાંત અનેક નાના-મોટા મંદિરો અને જોવાલાયક સ્થળો
આવેલા છે. આ માર્ગ ઉપર બે ટોલગેટ આવેલા છે અને ટોલના દાયારામાં આવતાં વાહનો પાસેથી
ટોલ ઉઘરાવવામાં આવે છે. વાહનચાલકોના જણાવ્યા મુજબ રસ્તામાં પડેલા ખાડા પૂરવાની જવાબદારી
ટોલગેટવાળાની હોય છે. કાં તો ખાડા પૂરો ને માર્ગ સુરક્ષા પૂરી પાડો નહિતર ઉબડખાબડ રોડ
ઉપરથી ટોલટેક્સ લેવાનું બંધ કરો. નખત્રાણા તાલુકા પંચાયત સામે, પોલીસ સ્ટેશન સામે, આશાપુરા મંદિર પાસે, ધડમના વળાંક ઉપર, ભૂખી નદી પાસે, અંગિયા ટોલગેટ નજીક, દેવપર પુલ ઉપર પડેલ ભયજનક ખાડો અનેક
અકસ્માતોનો સાક્ષી છે. ખોડિયાર મંદિર નજીક દેવપર યક્ષ વચ્ચે 10થી વધુ ખતરનાક મોતના કૂવા જેવા ખાડા પડેલા
છે. યક્ષના પુલ ઉપર, નાની મંજલની
ચાડી ઉપર, મંજલથી માજીરાઇ અને દેશલપરના માર્ગ ઉપર ખાડાની હારમાળા
છે. સતત વાહનોથી ધબકતા માર્ગની મરંમત માટે વહીવટી તંત્ર પણ ધ્યાન આપતું નથી. ધારાસભ્ય
અને સાંસદનું ધ્યાન દોરવામાં આવ્યું છે છતાં અકસ્માત સર્જે તેવા ખાડા પૂરવામાં આવ્યા
નથી.