• ગુરુવાર, 27 નવેમ્બર, 2025

પૃથ્વી બહાર જીવન છે ? ભારત-જાપાન કરશે શોધ

નવી દિલ્હી, તા.25 : ભારત અને જાપાન એક ઐતિહાસિક વૈજ્ઞાનિક ભાગીદારી તરફ આગળ ધપી રહ્યાં છે. બન્ને દેશ મળીને દુનિયાનાં સૌથી મહત્વાકાંક્ષી ખગોળીય ઉપકરણોમાંથી એક એટલે કે થર્ટી મીટર ટેલિસ્કોપ(ટીએમટી)નું નિર્માણ કરી રહ્યાં છે. આ વિશાળ અને અત્યાધુનિક ઓપ્ટિકલ-ઈન્ફ્રારેડ ટેલિસ્કોપ બ્રહ્માંડનાં ઉંડાણને અગાઉ કરતાં વધુ સ્પષ્ટતાથી જોવામાં સક્ષમ હશે અને સંભવ છે કે આ ટેલિસ્કોપ બ્રહ્માંડમાં પૃથ્વીવાસી જીવો એકલા છે કે નહીં તેવા માનવ સભ્યતા સૌથી મોટા સવાલનો જવાબ શોધવામાં પણ ઉપયોગી સાબિત થઈ શકશે. ટીએમટી પ્રોજેક્ટ ભારત, જાપાન અને અમેરિકાની બે પ્રમુખ યુનિવર્સિટીની આંતરરાષ્ટ્રીય ભાગીદારીમાં વિકસિત કરવામાં આવી રહ્યો છે. જાપાનની કેબિનેટ ઓફિસ ટોક્યોની નેશનલ સ્પેસ પોલિસી કમિટીનાં વાઈસ ચેરમેન ડૉ. સાકૂ ત્સુનેટા આ વિશે જણાવે છે કે, ખગોળવિદો બ્રહ્માંડનાં દૂરસ્થ ભાગોને અધિક સ્પષ્ટ રીતે જોવા માટે મોટા ટેલિસ્કોપની ઝંખના રાખે છે. જેટલો મોટો દર્પણ હશે એટલી વધુ શોધ સંભવ બનશે.  આ ટેલિસ્કોપનો પ્રાથમિક દર્પણ 30 મીટરનો હશે. જો કે તે એક જ કાચમાંથી નહીં બનેલો હોય. તેનાં માટે 500 નાના કાચને અત્યંત સટિકતાથી જોડીને એક વિશાળ દર્પણ તૈયાર કરવામાં આવશે. આ તમામ કાચને જોડવાનું પડકારજનક કાર્ય ભારતની ટેકનોલોજીથી થઈ રહ્યું છે. ભારત આ પ્રોજેક્ટમાં સંસ્થાપક ભાગીદાર દેશ છે. કેન્દ્ર સરકારે વર્ષ 2014માં આ પરિયોજના માટે મંજૂરી આપવામાં આવી હતી. જેમાં આઈઆઈએ-બેંગ્લુરુ, આઈયુસીએએ-પુણે અને એરાઈઝ-નૈનીતાલ જેવી ત્રણ મુખ્ય સંસ્થાઓ સહયોગ આપી રહી છે. ભારત ઓપ્ટો મિકેનિકલ સિસ્ટમ ઉપર કામ કરી રહ્યું છે. જે પ00 કાચને યોગ્ય સ્થિતિમાં જોડવા માટે આવશ્યક છે. ટીએમટીનું પ્રાથમિક નિર્માણ સ્થળ માઉના કેઆ(હવાઈ)માં સમુદ્રની સપાટીને 4000 મીટરની ઉંચાઈએ છે. જેને ખગોળીય અધ્યયનો માટે સર્વશ્રેષ્ઠ સ્થાનો પૈકી એક માનવામાં આવે છે. ત્યાં જાપાન અગાઉથી જ 8.2 મીટરનું ટેલિસ્કોપ ઓપરેટ પણ કરી રહ્યું છે. ટીએમટીનું લક્ષ્ય બ્લેકહોલ જેવી રહસ્યમય ઘટનાનું અધ્યયન, આકાશગંગાઓનાં નક્શા તૈયાર કરવા, બ્રહ્માંડની ઉત્પત્તિને ઉંડાણથી સમજવા અને પૃથ્વી બહાર જીવનની શોધ છે.  

Panchang

dd