નવી દિલ્હી, તા. 25 : મહારાષ્ટ્રમાં
સ્થાનિક ચૂંટણીઓમાં ઓબીસી અનામતને લઈને આજે થયેલી સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે એક
મહત્ત્વની ટિપ્પણીમાં જણાવ્યું હતું કે, સમાજની જાતિના આધારે વિભાજિત કરવો જોઈએ નહીં. અદાલતે, જો કે,એમ પણ કહ્યું હતું કે, તેઓ અત્યારે કોઈ અંતિમ અભિપ્રાય
આપતા નથી, પણ જો આવી રીતે ચૂંટણીઓ કરાવી અને બંધારણની વિરુદ્ધ
કંઈ પણ થયું, તો તેને પછી પણ રદ કરી શકાય છે. સુનાવણી દરમ્યાન મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે એવો
સવાલ કર્યો હતો કે, કેટલા સ્થાનિક સુધરાઈઓ-નિગમોમાં ચૂંટણીની
પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સરકાર તરફથી જણાવાયું હતું કે, 246 નગર પરિષદ અને 42 નગર પંચાયતોમાં ચૂંટણીની પ્રક્રિયા
શરૂ થઈ ગઈ છે. જ્યારે મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને પંચાયત સમિતિઓની ચૂંટણીની પ્રક્રિયાનો હજી આરંભ થયો નથી.
અદાલતે સરકારને કહ્યું હતું કે, પૂરી તૈયારી-હોમવર્ક કરીને આવો.
આજે અમે કોઈ ચુકાદો આપતા નથી, શુક્રવારે જોઈશું. અરજીકારે દલીલ
કરી હતી કે, કેન્દ્રનો પક્ષ
અગાઉ જ સમય માગી ચૂક્યો છે અને પાંચ ન્યાયાધીશની ખંડપીઠે પણ પહેલા જ સ્પષ્ટ
કરી દીધું છે કે, આરક્ષણ પ0 ટકાની મર્યાદાથી વધવું જોઈએ નહીં. તો અદાલત
તેને એક કોરાણે મૂકી શકે છે. અદાલતે જણાવ્યું
હતું કે, ભારતમાં 1931 બાદથી જાતિ આધારિત વસ્તી ગણતરી
થઈ નથી. જનગણના વિના ઓબીસીની વાસ્તવિક સંખ્યા કેવી રીતે નક્કી થશે? સમાજને જાતિના આધારે વિભાજિત કરવો જોઈએ નહીં
અને મતો માગવા માટે કરવું જોઈએ નહીં. મામલાની વધુ સુનાવણી શુક્રવારે થશે. સરકાર પૂરી
તૈયારી સાથે આવે.